'મારા પિતાને 'ધીમું ઝેર' અપાઈ રહ્યું હતું..' મુખ્તાર અન્સારીના મૃત્યુ બાદ પુત્રનો ગંભીર આરોપ
Mukhtar Ansari News | માફિયા મુખ્તાર અંસારીના મૃત્યુ પર તેના પુત્ર ઉમર અંસારીએ ગંભીર આરોપો લગાવતાં કહ્યું કે અમે પણ માણસ છીએ. પિતાની ગેરહાજરીમાં જેવી અન્ય લોકોની હાલત થાય છે તેવી જ મારી પણ છે. ઉમરે કહ્યું કે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. મને જે લાગે છે તે કહેવાનો શું ફાયદો? પિતાને વોર્ડમાં દાખલ કરવાને બદલે 3 દિવસ પહેલા ICUમાં રાખવામાં આવ્યા હતા. આઈસીયુમાંથી સીધા જેલ લઈ ગયા. પપ્પાએ મને કહ્યું હતું કે તેમને સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે.
મુખ્તાર અન્સારીને આવ્યો હતો હાર્ટ એટેક
ઉલ્લેખનીય છે કે યુપીની બાંદા જેલમાં બંધ ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત થયું હતું. ગુરુવારે સાંજે લગભગ 8.30 વાગ્યે જેલમાં મુખ્તારની તબિયત બગડી હતી. મુખ્તારને ઉલ્ટીની ફરિયાદ હતી. આ અંગેની માહિતી મળ્યા બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દુર્ગા શક્તિ નાગપાલ, એસપી અંકુર અગ્રવાલ મોટી પોલીસ ટુકડી લઈને જેલ પહોંચી ગયા હતા. અધિકારીઓ લગભગ 40 મિનિટ સુધી જેલની અંદર રહ્યા હતા.
હોસ્પિટલ લઈ જવાયા પણ બચાવી ના શકાયો
ત્યારબાદ મુખ્તારને એમ્બ્યુલન્સ દ્વારા બેભાન અવસ્થામાં રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજના ઈમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યો હતો. મેડિકલ કોલેજમાં 9 ડોક્ટરોની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી, પરંતુ આ દરમિયાન મુખ્તારનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત થયું હતું. આ પછી, લગભગ 10.30 વાગ્યે વહીવટીતંત્રે મુખ્તારના મૃત્યુની માહિતી જાહેર કરી.
સમગ્ર રાજ્યમાં એલર્ટ
મુખ્તાર અંસારીના મોત બાદ સમગ્ર રાજ્યમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મઉ અને ગાઝીપુરમાં પોલીસ ફ્લેગ માર્ચ કરી રહી છે. મઉ, બાંદા અને ગાઝીપુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. મેડિકલ કોલેજ અને બાંદા જેલની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. ડોક્ટરોની ત્રણ પેનલ મુખ્તાર અંસારીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરશે. ત્યાર બાદ તેને પરિવારના સભ્યોને સોંપવામાં આવશે.