'ન તો ગૌહત્યા થવી જોઈએ, ન તો માનવીનું લિન્ચિંગ...', RSS નેતાએ ધાર્મિક કટ્ટરતાથી સાવચેત કર્યા

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
'ન તો ગૌહત્યા થવી જોઈએ, ન તો માનવીનું લિન્ચિંગ...', RSS નેતાએ ધાર્મિક કટ્ટરતાથી સાવચેત કર્યા 1 - image


Image: Facebook

RSS Indresh Kumar on Religious Bigotry: આરએસએસ નેતા ઈન્દ્રેશ કુમારે લોકોને ધાર્મિક કટ્ટરતાથી સાવચેત કરતું નિવેદન આપ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમારે કહ્યું કે 'દેશમાં એવો માહોલ બનાવવો જોઈએ જેમાં ન તો ગૌહત્યા થવી જોઈએ, ન તો માનવીનું લિન્ચિંગ.' પટનામાં એક પ્રેસ કોન્ફરન્સમાં સામેલ ઈન્દ્રેશ કુમારે ગૌરક્ષકો દ્વારા હિંસાના સવાલ પર કહ્યું કે ભીડની હિંસા કોઈ પણ રૂપમાં યોગ્ય નથી. મોબ લિન્ચિંગ ભલે કોઈ પણ ધર્મ કે જાતિના લોકોનું હોય આ નિંદનીય છે. તેમણે ગૌહત્યા પર પણ પ્રતિબંધની વાત કરી. તેમણે કહ્યું કે તમામ જાતિ-ધર્મના લોકો પોતાના આચાર-વ્યવહારનું પાલન કરે અને સાથે જ બીજાનું પણ સન્માન કરે. તેમણે ધાર્મિક કટ્ટરતા અને તેના કારણે હિંસાથી સાવધાન રહેવાની પણ અપીલ કરી.

ઈન્દ્રેશે કહ્યું કે આપણો દેશ વિવિધતાઓથી પરિપૂર્ણ છે, અહીં અલગ-અલગ ભાષા, ધર્મ, જાતિ, ખાણી-પીણી, વ્યવહાર અને બોલી છે પરંતુ બંધારણ સૌનું એક છે. ગણેશ ચતુર્થી પર મધેપુરાના સિંહેશ્વર સ્થાનમાં શરૂ પંચમધામ મહામૃત્યુંજય યજ્ઞની પૂર્ણાહુતિ મહાશિવરાત્રિના દિવસે 26 ફેબ્રુઆરીએ પટનામાં થશે. યજ્ઞ યાત્રા 12 ફેબ્રુઆરીએ પટના પહોંચશે. તેના પહોંચવાના સમયે 15 દિવસો સુધી ઘણા કાર્યક્રમ થશે. 

પંચધામ ન્યાસના સંરક્ષક ઈન્દ્રેશે જણાવ્યું કે બિહારમાં 108 પ્રાચીન શિવ મંદિરે કવર કરતાં 150 દિવસની આરાધના યાત્રા થશે. 16 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી પટનામાં મહાયજ્ઞ થશે. આની પૂર્ણાહૂતિ 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ અને શિવ બારાત તરીકે થશે. મહાયજ્ઞની શરૂઆત સિંહેશ્વર મંદિરથી એટલા માટે કરવામાં આવી છે કેમ કે માન્યતા છે કે મંદિરનું નિર્માણ સ્વયં ભગવાન વિષ્ણુએ કરાવ્યું હતું. સિંહેશ્વરમાં ઘણા જિલ્લામાંથી આવેલી 21 હજાર કન્યાઓએ કળશની સાથે ભગવાન શિવના મહામૃત્યુંજય યજ્ઞની આરાધનાનું કળશ પૂજન કર્યું છે.

જાતિગત વસતી ગણતરી પર ઈન્દ્રેશે કહ્યું કે 'આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે જે કહ્યું છે, તે સંઘના 100 ટકા સ્વયંસેવકોનો વિચાર છે. જાતિ એક વાસ્તવિકતા છે જેને આપણે નકારી શકીએ નહીં પરંતુ આપણે જાતિવાદના ઝેરને દૂર કરવા પર ધ્યાન આપવું જોઈએ. આ રીતે અમારું એ પણ માનવું છે કે ઘણા ધર્મ છે અને રહેશે. પરંતુ ધાર્મિક કટ્ટરતા અને તેના કારણે થનારી હિંસાથી સાવધાન રહેવું જોઈએ. દેશ અને દુનિયાના ઘણા ભાગોમાં લોકો માંસાહારી છે પરંતુ એ સમજવું જોઈએ કે લોકો ગાય પ્રત્યે સંવેદનશીલ છે. આપણે એવો માહોલ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ જેમાં ન તો ગૌહત્યા થવી જોઈએ, ન તો માનવીનું લિન્ચિંગ.'


Google NewsGoogle News