Get The App

વસુધૈવ કુટુમ્બકમની વાતો થાય છે પણ કોઇ સાથે રહેવા નથી માગતું : સુપ્રીમ કોર્ટે કહ્યું 'કડવું સત્ય'

Updated: Mar 29th, 2025


Google News
Google News
વસુધૈવ કુટુમ્બકમની વાતો થાય છે પણ કોઇ સાથે રહેવા નથી માગતું : સુપ્રીમ કોર્ટે કહ્યું 'કડવું સત્ય' 1 - image


- પરિવારોમાં વધી રહેલા વિખવાદો અંગે સુપ્રીમે ચિંતા વ્યક્ત કરી

- માતા-પિતાની માગ પર ટ્રિબ્યૂનલે પુત્રને ઘર ખાલી કરવા કહ્યું, પુત્રની અપીલ પર હાઇકોર્ટે સ્ટે મુક્યો જેની સામે માતા સુપ્રીમ પહોંચી

Supreme Court News : માતા અને પુત્ર વચ્ચે સંપત્તિનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હાલની પરિવારની ભાવનાને લઇને એક અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ભારતમાં વસુધૈવ કુટુમ્બકમની વાતો તો થાય છે પરંતુ બીજી તરફ સ્થિતિ એ છે કે આપણે પોતાના સ્વજનની સાથે એક થઇને રહેવામાં પણ નિષ્ફળ નિવડયા છીએ. માતા પિતાથી પુત્રો તો પુત્રોથી માતા પિતા અલગ રહેવા માગે છે તે અંગે સુપ્રીમે આ ચિંતા વ્યક્ત કરી હતી.  

સુપ્રીમના ન્યાયાધીશ પંકજ મિતલ અને એસ એન વી ભટ્ટીની બેંચે કહ્યું હતું કે પરિવારનો કોન્સેપ્ટ બદલાઇ રહ્યો છે અને વ્યક્તિ એકલો જ રહેવા માગે છે અને તે જ પોતાનામાં એક પરિવાર છે, લોકો પોતાના સગા કે પરિવારજનોની સાથે રહેવા માટે પણ તૈયાર નથી. પરિવારની વ્યવસ્થામાં થઇ રહેલા આ ફેરફારો અંગે સુપ્રીમે ચિંતા વ્યક્ત કરી હતી. 

ઉત્તર પ્રદેશના સુલતાનપુરની રહેવાસી 68 વર્ષીય સમતોલા દેવીની અરજી પર સુપ્રીમે આ સુનાવણી કરી હતી, સમતોલા દેવીએ પોતાના મોટા પુત્ર કૃષ્ણ કુમારને ઘરમાંથી કાઢી મુકવાની માગ કરી હતી. આ ઘર અરજદાર વૃદ્ધા અને તેના પતિના નામે છે, બન્ને વચ્ચે ત્રણ પુત્રો અને બે પુત્રીઓ છે. મોટા પુત્રએ વર્ષ ૨૦૧૪માં પિતા સાથે ઝઘડો કર્યો હતો, જેને લઇને પિતાએ એસડીએમ સુધી ફરિયાદ કરી હતી. બાદમાં માતા-પિતાએ ફેમેલી કોર્ટમાં અરજી કરીને પુત્રો પાસેથી ભરણપોષણની માગ કરી હતી. સાથે જ ઘર ખાલી કરાવવા ટ્રિબ્યૂનલમાં અપીલ કરી હતી.

કોર્ટે મહિને ચાર હજાર રૂપિયા ભરણપોષણ આપવા પુત્રોને આદેશ કર્યો હતો. સાથે જ પિતાની સહમતિ વગર પુત્રો ઘરના કોઇ પણ હિસ્સા પર કબજો નહીં કરી શકે તેવો આદેશ આપ્યો હતો. પણ ઘર ખાલી કરવા આદેશ નહોતો થયો, બાદમાં માતા-પિતાની અપીલ પર તે આદેશ પણ થયો હતો જે બાદ પુત્ર હાઇકોર્ટ પહોંચ્યો હતો, હાઇકોર્ટે ફેમેલી કોર્ટના આદેશ પર  સ્ટે મુકી દીધો હતો. બાદમાં માતા દ્વારા સુપ્રીમમાં અપીલ કરાઇ હતી. સુપ્રીમે હાઇકોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો અને કહ્યું હતું કે આ મામલામાં માતા પિતા એ સાબિત ના કરી શક્યા કે તેમનું પુત્ર દ્વારા અપમાન થયું હતું કે તેમને ઉત્પિડનનો સામનો કરવો પડયો હતો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે પરિવારના આ વિખવાદો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ભારતમાં આમ તો વસુધૈવ કુટુમ્બકમ (વિશ્વ એક પરિવાર છે)ની વાતો થાય છે પરંતુ પરિવાર તુટી રહ્યા છે.  

Tags :