હજી તો ખેલ બાકી છે નીતીશકુમારની પાર્ટી ખત્મ થઇ જશે : તેજસ્વી યાદવ
- નીતીશકુમાર બહુ થાકેલા નેતા છે : અમે તેમની પાસે ઘણું કામ કરાવ્યું પરંતુ હજી ખેલ બાકી છે : 2024 સુધીમાં તેમની પાર્ટી ખત્મ થઇ જશે
પટણા : નીતીશકુમારે આર.જે.ડી. છોડી એન.ડી.એમાં ભળી ગયા પછી નવી સરકાર બનાવી છે. તેમની સાથે સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા એ ડેપ્યુટી સી.એમ. તરીકે શપથ લીધા. નીતીશે પલટી મારી નવમી વાર મુખ્યમંત્રી પદ સંભાળી ઇતિહાસ રચી દીધો છે.
આ પૂર્વે કોંગ્રેસ પ્રમુખ ખડગેએ તેમને આયારામ-ગયારામની ઉપાધી આપી છે. તો બીજી તરફ હજી સુધી તેઓના સાથી રહેલા તેજસ્વી યાદવે, નીતીશ ઉપર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું અમે તેમની પાસે ઘણું કામ કરાવ્યુંપરંતુ હવે તેઓ થાકી ગયા છે. આ સાથે તેજસ્વીએ, જેડીયુ અંગે પણ ભવિષ્યવાણી ભાખતાં કહ્યું કે નીતીશકુમારની પાર્ટી ૨૦૨૪માં ખત્મ થઇ જશે.
આ પૂર્વે નીતીશકુમારે પાર્ટી બદલતાં મહાગઠબંધન સાથે, તેમના સંબંધો બગડયા હોવાની વાત કરી હતી. તેજસ્વી યાદવે, પણ તેમનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું હતું. તે પછી મીડીયાને સંબોધિત કરતાં કરતાં કહ્યું : અમે દોઢ વર્ષ પૂર્વે જે ગઠબંધનમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ દુર્ભાગ્યવશ આજે આ સ્થિતિ આવી છે.
નીતીશકુમારે તેઓનું રાજીનામું આપ્યા પછી કહ્યું કે અમને ઘણી ફરિયાદો મળી હતી તેથી મારે આ નિર્ણય લેવો પડયો છે. બીજી તરફ તેજસ્વી યાદવે પોતાનો ગુસ્સો ઠાલવતાં નીતીશ ઉપર જ હુમલો કર્યો હતો, અને કહ્યું કે નીતીશકુમાર બહુ થાકેલા નેતા છે. તેઓ કશું કામ કરી શક્તા નથી. અમે છેલ્લા ૧૭ મહીનામાં તેમની પાસે ઘણું કામ કરાવ્યું હતું. તે ઐતિહાસિક કામો બની રહ્યાં. ત્યારે બિહારમાં જે વિકાસ થયો, તેટલો વિકાસ પહેલાની કોઈ પણ સરકાર સમયે થયો ન હતો. આ સાથે તેજસ્વીએ તેમ પણ કહ્યું કે નીતીશની પાર્ટી ૨૦૨૪માં ખત્મ થઇ જશે.
આ પૂર્વે ઉધ્ધવ ઠાકરેની પાર્ટીના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે નીતીશકુમારનું માનસિક સ્વાસ્થ્ય જ સારૃં નથી. તેઓ અમારાથી દૂર જશે તો પણ અમને કોઈ ફર્ક નહીં પડે. નીતીશકુમારે રાજીનામું આપ્યું છે તે તેમનો શોખ છે.
અયોધ્યામાં રામ છે, તો બિહારમાં પલટુરામ છે. તેમ પણ આ ફાયરબ્રાન્ડ નેતાએ ટીકા કરી હતી.