Get The App

દ્રૌપદી મુર્મૂઃ 2 જવાન દીકરાના મોત... પતિનું મોત... પરિવારમાં છે માત્ર એક દીકરી

Updated: Jul 21st, 2022


Google NewsGoogle News
દ્રૌપદી મુર્મૂઃ 2 જવાન દીકરાના મોત... પતિનું મોત... પરિવારમાં છે માત્ર એક દીકરી 1 - image


- દ્રૌપદી મુર્મૂના દીકરાના મૃત્યુનું રહસ્ય હજુ સુધી નથી ઉકેલાયુ 

નવી દિલ્હી, તા. 21 જુલાઈ 2022, ગુરૂવાર

દેશના સર્વોચ્ય એટલે કે, રાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનો વિજય લગભગ નક્કી જ છે. 64 વર્ષીય દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ પદ પર પહોંચનારા સૌથી નાની ઉંમરના શખ્સ બનશે. આજે આપણે દ્રૌપદી મુર્મૂના જીવન વિશે જાણીશું. 

દ્રૌપદી મુર્મૂનો જન્મ 20 જૂન 1958ના રોજ ઓડિશાના મયૂરગંજ જિલ્લાના બૈદપોસી ગામમાં થયો હતો. તેઓ સંથાલ આદિવાસી જૂથમાંથી આવે છે. તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડૂ હતું અને તેઓ એક ખેડૂત હતા. દ્રૌપદી મુર્મૂને 2 ભાઈઓ છે જેમના નામ ભગત ટુડૂ અને સરૈની ટુડૂ છે. 

તેમનું બાળપણ ખૂબ જ અભાવોમાં વિત્યું હતું પરંતુ તેમણે પોતાની સ્થિતિને મહેનતની આડે નહોતી આવવા દીધી. તેમણે ભુવનેશ્વર ખાતેની રમાદેવી વુમન્સ કોલેજમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમના લગ્ન શ્યામાચરણ મુર્મૂ સાથે કરવામાં આવ્યા હતા. તેમણે લગ્ન બાદ 2 દીકરા અને એક દીકરીને જન્મ આપ્યો હતો અને દીકરીને ભણાવવા માટે તેઓ શિક્ષક બની ગયા હતા. 

દ્રૌપદી મુર્મૂઃ 2 જવાન દીકરાના મોત... પતિનું મોત... પરિવારમાં છે માત્ર એક દીકરી 2 - image

5 વર્ષ રહ્યા ખૂબ જ કઠિન

દ્રૌપદી મુર્મૂના જીવનના 5 વર્ષ ખૂબ જ કઠિન રહ્યા હતા અને એ સમય દરમિયાન તેમનો હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો હતો. 27 ઓક્ટોબર 2009ના રોજ સવારે ભુવનેશ્વરના પત્રપદા વિસ્તારમાં એક 25 વર્ષીય યુવાન ઘરે પથારીમાં બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો. ઘરવાળાઓ તેને બચાવવા માટે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ડોક્ટર્સે તેને મૃત ઘોષિત કર્યો હતો. તે મૃતદેહ લક્ષ્મણ મુર્મૂનો હતો અને તેઓ પૂર્વ મંત્રી દ્રૌપદી મુર્મૂના દીકરા હતા. 

દીકરાના રહસ્યમય મૃત્યુનો ખુલાસો જ ન થયો

લક્ષ્મણ મુર્મૂનું મૃત્યુ રહસ્ય જ બની રહ્યું અને આજ સુધી તેનો ખુલાસો નથી થયો. દ્રૌપદી મુર્મૂ તે સમયે રાયરંગપુરમાં હતા અને લક્ષ્મણ પોતાના કાકા-કાકી સાથે રહેતા હતા. સાંજે તેઓ પોતાના મિત્રો સાથે બહાર ગયા હતા અને મોડી રાતે મિત્રો તેમને એક રીક્ષામાં ઘરે મુકી ગયા હતા. તે સમયે તેમની તબિયત ખરાબ હોવાથી કાકા-કાકીએ લક્ષ્મણના મિત્રોને તેમને રૂમમાં સુવડાવી આપવા માટે કહ્યું હતું. તે સમયે ઘરના લોકોને થાકના કારણે એમ બન્યું હોવાનું લાગ્યું હતું પરંતુ સવારે તેઓ પથારીમાં અચેતન અવસ્થામાં મળી આવ્યા હતા. 

આ પણ વાંચોઃ જાણો દ્રૌપદી મુર્મૂની રાજકીય સફર વિશે

માર્ગ અકસ્માતમાં બીજા દીકરાનું અવસાન

હજું લક્ષ્મણના મૃત્યુના આઘાતમાંથી બહાર નહોતા આવી શક્યા ત્યાં 2013માં દ્રૌપદી મુર્મૂના બીજા દીકરાનું એક માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. માત્ર 4 વર્ષમાં દ્રૌપદી મુર્મૂના 2 જુવાન દીકરાઓના મોત થયા હતા અને તેઓ અંદરથી સાવ ભાંગી પડ્યા હતા. 

આ પીડામાંથી બહાર આવવા માટે તેમણે આધ્યાત્મનો સહારો લીધો હતો અને તેઓ રાજસ્થાનના માઉન્ટ આબુ સ્થિત બ્રહ્માકુમારી સંસ્થામાં જવા લાગ્યા હતા. બ્રહ્માકુમારીમાં તેઓ અનેક દિવસો સુધી ધ્યાન કરતા હતા અને તણાવમાંથી બહાર આવવા માટે તેઓ રાજયોગ શીખ્યા હતા. ઉપરાંત તેઓ સંસ્થાના અનેક કાર્યક્રમોમાં પણ સહભાગી બનવા લાગ્યા હતા. 

પતિનું પણ મોત

બે દીકરાઓના મૃત્યુનું દુઃખ ઓછું પણ નહોતું થયું ત્યાં 2014ના વર્ષમાં દ્રૌપદીના પતિ શ્યામાચરણ મુર્મૂનું મૃત્યુ થયું હતું. એવું કહેવાય છે કે, શ્યામાચરણ મુર્મૂને હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ બેંકમાં કામ કરતા હતા. 

દ્રૌપદી મુર્મૂના પરિવારમાં હાલ માત્ર એક દીકરી ઈતિશ્રી મુર્મૂ જ છે અને તેણી બેંકમાં નોકરી કરે છે. આ તમામ ઘટનાઓ 2009થી 2014ના સમયગાળામાં બની પરંતુ 1984માં પણ મુર્મૂના જીવનમાં એક તોફાન આવ્યું હતું અને તેમની નવજાત બાળકીએ જન્મતાની સાથે જ દમ તોડી દીધો હતો. 

દ્રૌપદી મુર્મૂએ પોતાના ઘરે પતિ તથા બંને મૃતક બાળકોની મૂર્તિ બનાવડાવી છે

દ્રૌપદી મુર્મૂઃ 2 જવાન દીકરાના મોત... પતિનું મોત... પરિવારમાં છે માત્ર એક દીકરી 3 - image



Google NewsGoogle News