એક સ્કુલમાં એક પણ વિદ્યાર્થી નહીં, છતાં 5 શિક્ષકો મેળવી રહ્યા છે લાખોનો પગાર
આ સ્કુલમાં વર્ષ 2021 પછી કોઈ બાળકનું નામ દાખલ થયુ નથી
બાળકોને શિક્ષણ આપવા માટે વર્ષ 1990માં પ્રાથમિક વિદ્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું
Image Social Media |
તા. 7 ડિસેમ્બર 2023, ગુરુવાર
ઉત્તર પ્રદેશના બાગપત જીલ્લાના જનપદમાં એક એવી સ્કુલ છે, જ્યા પાંચ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે, પરંતુ સ્કુલમાં વિદ્યાર્થી એક પણ નથી. આ સાંભળીને કદાચ તમને વિશ્વાસ નહી આવે, પરંતુ આ હકીકત છે બાગપતના અબ્દુસપુર ગામમાં સંવિલિયન ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલયમાં વર્ષ 2021 પછી કોઈ બાળકનું નામ દાખલ થયુ નથી.
ગામમાં જેલનું નિર્માણ કરવામાં આવ્યુ તે દરમ્યાન પાંચ વર્ષ સુધી ત્યા કામ કરનારા મજુરોના લગભગ 15 બાળકોને સ્કુલમાં શિક્ષણ આપવામાં આવ્યું હતું. તે પછી સ્કુલમાં એક પણ બાળકનું નામ દાખલ થયુ નથી. છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષકો ખાલી સ્કુલમાં જઈ ઘરે પરત ફરે છે.
વર્ષ 1990માં પ્રાથમિક વિદ્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું
અબ્દુલપુર ગામમાં લગભગ 30 પરિવાર રહે છે. તેમના બાળકોને શિક્ષણ આપવા માટે વર્ષ 1990માં પ્રાથમિક વિદ્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ સ્કુલમાં આચાર્ચ સંજયસિંહ સિવાય સોનિયા ધામા, માહિરા, ગજેન્દ્ર સિંહ નૈન અને સુધીર કુમાર સહાયક અધ્યાપક તરીકે કામ કરી રહ્યા છે. પરંતુ સ્કુલમાં ભણનાર કોઈ બાળક નથી.
ગામ લોકોને જાગૃત કર્યા બાદ પણ નથી કરાવતા નામાકંન
સ્કુલના આચાર્ય સંજય સિંહ આ મુદ્દે વાત કરતાં કહે છે કે, સ્કુલમાં બાળકોના નામ દાખલ કરવા બાબતે ગામ લોકો સાથે બેઠક કરીને સમજાવીએ છીએ, આ ઉપરાંત ઘરે ઘરે સંપર્ક કરી બાળકોને સ્કુલ મોકલવા માટે જાગૃત પણ કર્યા છે, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી કોઈ બાળક સ્કુલમાં દાખલ થયો નથી.
લોકો તેમના બાળકોને પ્રાઈવેટ સ્કુલમાં ભણાવવા માંગે છે : સ્થાનિક ગામવાસી
સરકારી સ્કુલમાં સુવિધાઓ ઓછી હોય છે અને પ્રાઈવેટ સ્કુલમાં સરકારી સ્કુલની તુલનામાં શિક્ષણ સારુ હોય છે તેમજ દરેક પ્રકારની સુવિધાઓ મળી રહે છે. એટલે કે લોકો તેમના બાળકોને પ્રાઈવેટ સ્કુલમાં ભણાવવા માંગે છે. આ ઉપરાંત ગામ લોકો સુખી સંપન્ન છે. જેથી મોટાભાગના લોકો તેમના બાળકોને અંગ્રેજી મીડિયમમાં પ્રાઈવેટ સ્કુલમાં મોકલે છે.