બ્રિક્સ દેશોની સંયુક્ત કરન્સીની કોઈ જ સંભાવના નથી : જયશંકર
ટ્રમ્પની ધમકી પહેલાં જ ભારતે વલણ સ્પષ્ટ કર્યું હતું
નવી દિલ્હી: બ્રિક્સ દેશો દ્વારા અમેરિકન ડોલરને નબળો પાડીને બ્રિક્સનું પોતાનું ચલણ બનાવવાની તૈયારીના વિરોધમાં અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગંભીર પરીણામોનો સામનો કરવાની ધમકી આપી છે ત્યારે ભારતના વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે અગાઉ જ બ્રિક્સ દેશોના સંયુક્ત કરન્સી અંગે પોતાનો મત સ્પષ્ટ કરી દીધો હતો. જયશંકરે કહ્યું કે, બ્રિક્સના સંયુક્ત ચલણ પર ભારત પોતાનો સ્પષ્ટ મત વ્યક્ત કરી ચૂક્યું છે. બ્રિક્સ દેશોમાં કોઈ સંયુક્ત ચલણ વિકસિત થવાની સંભાવના બહુ ઓછી છે, કારણ કે દરેક દેશ પોતાના ચલણ મારફત વૈશ્વિક વેપાર કરવા માગે છે અને તેના માટે તેમની વચ્ચે નાણાં નીતિઓ, ચલણની નીતિઓ અને રાજકીય દૃષ્ટિકોણોનું મજબૂત સામંજસ્ય હોવું જરૂરી છે. જયશંકરે કહ્યું કે, અનેક દેશોનું કહેવું છે કે તેમને કોઈ ત્રીજા ચલણની જરૂર નથી. ક્યારેક તે લિક્વિડિટી, ખર્ચ અને દક્ષતાનો મુદ્દો બની જાય છે. બ્રિક્સ દેશો વચ્ચે વિવિધ નાણાકીય, કરન્સી અને રાજકીય દૃષ્ટિકોણ છતાં કોઈ સંયુક્ત ચલણની કોઈ શક્યતા નથી.