નાળાની સફાઇ થતી ના હોવાથી યુવાને નાળામાં પડીને અનોખો વિરોધ નોંધાવ્યો
ગળાડૂબ ગંદકીમાં પડેલા યુવાનને બહાર નિકળવાની ના પાડી દીધી
કોઇ સાંભળતું ના હોવાથી ધ્યાન ખેંચવા માટે આ રસ્તો અપનાવ્યો
કાનપુર,૧૩ માર્ચ,૨૦૨૪,બુધવાર
ઉત્તરપ્રદેશના કાનપુરમાં ગંદકીથી ભરેેલા નાળાની સફાઇ થતી ન હોવાથી હતાશ થઇને નાળામાં કુદયો હતો. ગંદા પાણીમાં તેનું માત્ર ગળું જ દેખાતું હતું. લોકોએ ગંદા પાણીમાંથી બહાર નિકળવાની વિનંતી કરી હતી પરંતુ જયાં સુધી સફાઇ ના થાય ત્યાં સુધી યુવકે બહાર નિકળવાનો ઇન્કાર કરીને અનોખો વિરોધ કર્યો હતો. યુવક વિરોધ પ્રદર્શન કરવા લાગતા લોકોના ટોળા એકઠા થયા હતા. ગંદા પાણીમાં ભલે જીવતો રહે કે બીમાર પડુ પરંતુ અમારી વાત સાંભળનાર કોઇ ના હોવાથી આ રસ્તો અપનાવવો પડયો હોવાની રજૂઆત કરી હતી.
અમારુ કોઇ જ સાંભળવાવાળું નથી એમ વારંવાર કહેતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગોવિંદનગર હરિજન વસ્તીના નાળામાં એક ચોક વિસ્તાર છે. આ ચોક વિસ્તારના નાળાની સફાઇ થતી ન હોવાથી ગંદકી જોવા મળતી હતી. આથી નારાજ થયેલો વિકાસ કઠેરિયા નામનો યુવાન સમસ્યાનું ધ્યાન ખેંચવા માટે નાળામાં કૂદયો હતો.આ વાતની નગર નિગમ ઝોન -૫ ને જાણ થતા અધિકારીઓ અને સફાઇ કામદારોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. યુવાનને બહાર કાઢીને નાળાની સફાઇ કરવા માટેની બાહેધરી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નાળાનું ટેન્ડર બહાર પાડીને એક સપ્તાહમાં સફાઇ થઇ જશે.