Get The App

વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ હવે ભારતમાં, જેની સામે એફિલ ટાવર પણ દેખાય નાનું, જાણો ખાસિયતો

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
CHENAB RAIL BRIDGE




World's Highest Raiway Bridge In Kashmir : વિશ્વના ટોચના રેલવે નેટવર્કમાં સમાવેશ પામતા ભારતીય રેલવેએ પોતાને નામે વધુ એક રેકોર્ડ નોંધાવ્યો છે. રેકોર્ડ છે દુનિયાના સૌથી ઊંચા રેલવે પુલના નિર્માણનો! હિમાલયના પર્વતોમાં વસેલા જમ્મુના રિયાસી જિલ્લામાં થઈને વહેતી ચિનાબ નદી પર બન્યો છે આ પુલ, જેનું નામ છે ‘ચિનાબ રેલવે બ્રિજ’. બક્કલ અને કૌરી નામના ગામ વચ્ચે બનેલો સ્ટિલ અને કોંક્રિટનો આ પુલ સિંગલ-ટ્રેકનો છે અને જે રેકોર્ડ એના નામે ચડ્યો છે એ છે એની ઊંચાઈ.

શું છે રેકોર્ડ?

‘ચિનાબ રેલવે બ્રિજ’ નદીના પટથી અધધધ 359 મીટર (1,178 ફૂટ)ની ઊંચાઈ પર બન્યો છે. 17 સ્પાનમાં વહેંચાયેલા આ પુલની લંબાઇ છે 1,315 મીટર (4,314 ફૂટ). એન્જિનિયરિંગની કમાલ એવો આ કમનાકાર પુલ (આર્ચ બ્રિજ) એટલો મજબૂત છે કે રિક્ટર સ્કેલ પર 8 ની તીવ્રતા સુધીના ધરતીકંપને સહન કરી શકે છે. 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનમાં પણ એ અડીખમ ઊભો રહી શકે છે.

વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ હવે ભારતમાં, જેની સામે એફિલ ટાવર પણ દેખાય નાનું, જાણો ખાસિયતો 2 - image

કોનો રેકોર્ડ તોડ્યો? 

માનવનિર્મિત આઠમી અજાયબી જેવા આ પુલે ચીનની વુજિઆંગ નદી પર બનેલા ‘નાજીહી રેલવે બ્રિજ’નો રેકોર્ડ તોડ્યો છે, જે 310 મીટરની ઊંચાઈ ધરાવે છે. જાણીને નવાઈ લાગશે કે દુનિયાના સૌથી ઊંચા 18 રેલવે પુલ ચીનમાં બનેલા છે. એ તમામ પુલોને વટોળીને ભારતનો ‘ચિનાબ રેલવે બ્રિજ’ હવે પહેલે નંબરે બિરાજે છે. પુલની ઊંચાઈ પેરિસના જગમશહૂર એફિલ ટાવર (ઊંચાઈ 300 મીટર) કરતાં પણ વધુ છે.

રેકોર્ડસર્જક પુલનું બજેટ પણ રેકોર્ડતોડ

આ પુલનું બાંધકામ 1997 થી શરૂ થયેલા પ્રોજેક્ટ USBRL - યુએસબીઆરએલ (ઉધમપુર શ્રીનગર બારામુલા રેલ લિંક) અંતર્ગત થયું છે. પુલનું નિર્માણકાર્ય 2002માં શરૂ થયું હતું અને એના નિર્માણમાં 30,000 મેટ્રિક ટન સ્ટિલનો ઉપયોગ થયો છે. 120 વર્ષનું આયુષ્ય ધરાવતા આ પુલનો નિર્માણખર્ચ થયો છે પૂરા 1486 કરોડ રૂપિયા. 

16 જૂન, રવિવારના રોજ પુલ પર ટ્રાયલ ટ્રેન દોડવવામાં સફળતા મળી હતી. 30 જૂનથી આ પુલ પર નિયમિતપણે ટ્રેનો દેડાવવાનું આયોજન છે. ટ્રેનો 100 કિલોમીટરની મહત્તમ ઝડપે આ પુલ પરથી પસાર થઈ શકશે. સુપરસ્પિડ વંદેભારત ટ્રેન પણ આ પુલ પરથી દોડાવાશે. આ પુલને લીધે જમ્મુ અને કાશ્મીર વચ્ચેનો રેલવે વ્યવહાર ઝડપી અને સરળ બનશે.

વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ હવે ભારતમાં, જેની સામે એફિલ ટાવર પણ દેખાય નાનું, જાણો ખાસિયતો 3 - image


Google NewsGoogle News