વિશ્વને પરમાણુ બોમ્બનો જેટલો ભય હતો તેટલો હવે એઆઈથી છે
- વિદેશ પ્રધાન એસ જયશંકરે ચિંતા વ્યક્ત કરી
- ભારત વિશ્વના ગણ્યાગાંઠયા દેશોમાંનો એક છે, જેણે એઆઇ માટે રાષ્ય્રીય વ્યૂહરચનાની રચના કરી છે
નવી દિલ્હી : વિદેશપ્રધાન એસ જયશંકરે રવિવારે જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશ્વમાં પરમાણુ શસ્ત્રો પછી અત્યંત મહત્ત્વના પરિબળ તરીકે ઉભરી આવશે. તેમણે કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવની ત્રીજી આવૃત્તિ વખતે બોલતા જણાવ્યું હતું કે વિશ્વને પરમાણુ બોમ્બથી એક સમયે જેટલો ભય હતો તેટલો જ ભય હવે એઆઇથી છે. તેમણે સમારંભના અંતિમ દિવસે આ વાત કહી હતી.
તેમણે ઉમેર્યુ હતુ કે એઆઇ આગામી સમયમાં બહુ મોટું પરિબળ બની શકે છે અને દેશોએ તેની પશ્ચાદવર્તી અસરોનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. વૈશ્વિકીકરણની અસર અંગે સમજતાવતા જયશંકરે જણાવ્યું હતું કે વૈશ્વિક ઇકોસિસ્ટમ અને ડેમોગ્રાફિક્સ તથા કનેક્ટિવિટીમાં તે એક મજબૂત પરિબળ બનીને ઉભરી આવશે અને તે જ વૈશ્વિક વ્યવસ્થા બદલશે.
તેમણે જણાવ્યું હતું કે આગામી દાયકામાં વૈશ્વિકીકરણ એક શસ્ત્ર બની શકે છે અને વિશ્વએ તેના અંગે સાવધ રહેવું જોઈએ. વિશ્વમાં કેટલાય લોકો મોટાપાયા પરના જોબ લોસ માટે અને ક્રાંતિની અન્ય નકારાત્મક અસરો માટે તેને જવાબદાર ઠેરવી રહ્યા છે. આ પરિવર્તન એટલે કે વૈશ્વિકીકરણ જારી હશે ત્યાં સુધી આ મુદ્દો રહેશે. તેની સાથે તેમણે નોંધ્યું હતું કે છેલ્લા દાયકામાં વૈશ્વિકીકરણ સામેના સામાજિક અને રાજકીય પ્રત્યાઘાતોમાં વધારો થયો છે.
આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત માનવલક્ષી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેવલપમેન્ટ દ્વારા સારા ભવિષ્યની કામના રાખી રહ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે ભારત વિશ્વના કેટલાક ગણ્યા ગાંઠયા દેશોમાં એક છે જેણે એઆઇ માટે રાષ્ટ્રીય વ્યૂહરચના રચી છે. ગયા વર્ષે ભારતમાં યોજાયેલી જી૨૦ સમિટમાં અમે એઆઇ ફિલ્ડમાં ઇન્ટરનેશનલ ગવર્નન્સના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, એમ વડાપ્રધાને જી૭ આઉટરીટ સેશનમાં વિશ્વના નેતાઓ સમક્ષ બોલતા જણાવ્યું હતું.
ભવિષ્યમાં પણ આપણે એઆઇને પારદર્શક, યોગ્ય, સલામત સુગમ અને જવાબદાર બનાવવા બધા દેશો સાથે મળીને કામ કરવાનું જારી રાખીશું. આ વ્યૂહરચનાના આધારે દેશે આ વર્ષે એઆઇ મિશન લોન્ચ કર્યુ છે.