યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનથી પણ 2 મીટર ઉપર નીકળ્યું, દિલ્હીમાં પૂરનું જોખમ વધ્યું
યમુના નદીનું જળસ્તર 207.37 મીટરે પહોંચ્યું, રાહત કેમ્પ શરુ કરવામાં આવ્યા
દિલ્હીમાં આ વર્ષે વરસાદે 41 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો
છેલ્લા એક અઠવાડિયાથી દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના પગલે દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. દિલ્હીમાં આ વર્ષે વરસાદે 41 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા દિલ્હીવાસીઓની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. જો કે હાલ દિલ્હીમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે જેના કારણે દિલ્હીના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
યમુનાનું જળસ્તર 207.37 મીટરે પહોચ્યું
ITO ખાતેનો છઠ ઘાટ સંપૂર્ણ રીતે ડૂબી ગયો હતો. બાકળા, થાંભલા વગેરે પાણીમાં ડૂબી ગયા છે. ITO બ્રિજ પર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળી રહ્યો છે. પાણીની સપાટી વધવાને કારણે જૂનો લોખંડનો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. તેના ઉપરના ભાગમાં ન તો ટ્રેનો પસાર થઈ રહી છે અને ન તો નીચેના ભાગમાંથી વાહનો પસાર થઈ શકે છે. આ સિવાય ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. હરિયાણાના હથિનીકુંડમાંથી સતત પાણી છોડવાના કારણે ગઈકાલે યમુનાનું જળ સ્તર ખતરાના નિશાનથી એક મીટર ઉપર પહોંચી ગયું હતું. આજે યમુનાના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં નદીનું જળસ્તર વધીને 207.37 મીટર થઈ ગયું હતું.
ચિલ્લાથી NH-24 સુધી 3 કિમી સુધીના ટેંન્ટ લગાવ્યા
ચિલ્લાથી NH-24 સુધી અને DNDથી નિઝામુદ્દીન ફ્લાયઓવર સુધી અને યમુના બેંકથી ITO બ્રિજ સુધી રાહત શિબિરોની શરુ કરવામાં આવી છે. અહીં ખાવા-પીવાની વ્યવસ્થા છે. સથાનિક સહાયક જૂથો દ્વારા મેડિકલ કેમ્પ પણ ગોઠવવામાં આવ્યા છે. રાત્રે બહાર કાઢવામાં આવેલા લોકોને સવારે 9 વાગ્યે અહીં ભોજન આપવામાં આવ્યું હતું અને બપોરે 1:30 વાગ્યે ટેન્ટ લગાવી દેવામાં આવ્યા હતા. નોઈડા-દિલ્હી લિંક રોડ પર લગભગ 1 હજારથી વધુ રાહત કેમ્પો તૈયાર કરવામાં આવ્યા છે.