મણિપુરમાં હિંસાનો જ્વાળામુખી બેકાબૂ
- અમિત શાહ મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રચાર છોડી દિલ્હી આવ્યા, બેઠક બોલાવી
- વધુ ચાર ધારાસભ્યના ઘર આગ હવાલે
- મણિપુરને બચાવવામાં બિરેનસિંહની સરકાર નિષ્ફળ અમે સમર્થન પાછું લઇએ છીએ ઃ એનપીપીની જાહેરાત
- ઉગ્રવાદીઓએ આખા પરિવારને રહેંશી નાંખ્યો, બે વર્ષના બાળકનું માથુ કાપ્યું, લોકોમાં ભયની સાથે રોષ વધ્યો
- મુખ્યમંત્રી બિરેનસિંહના ઘરને આગ લગાવવાનો પ્રયાસ, ૨૪ કલાકમાં હત્યારાઓને પકડવાનું દેખાવકારોનું અલ્ટિમેટમ
ઇમ્ફાલ: મે ૨૦૨૩થી સળગી રહેલા મણિપુરમાં ફરી હિંસાની આગ ફેલાવા લાગી છે. મૈતેઇ સમુદાયના છ લોકોની ઘાતકી રીતે હત્યા બાદ હિંસા ભડકી ઉઠી છે. પરિસ્થિતિ કાબુ બહાર જતી જણાતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર અટકાવીને દિલ્હી રવાના થવુ પડયું હતું, તેમણે દિલ્હીમાં મણિપુરની સ્થિતિ અંગે ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. બીજી તરફ મણિપુર સરકારમાંથી એનપીપી પાર્ટીએ ટેકો પરત ખેંચી લીધો છે અને કહ્યું છે કે મુખ્યમંત્રી બિરેનસિંહ હિંસા પર કાબુ મેળવવામાં નિષ્ફળ રહ્યા હોવાથી આ નિર્ણય લેવાયો છે.
રાજ્યમાં બે મંત્રીઓ અને ચાર ધારાસભ્યોના મકાનોને બાનમાં લીધા બાદ હવે હિંસાખોરોએ મુખ્યમંત્રી બિરેનસિંહના ઘર પર હુમલાનો પ્રયાસ કર્યો હતો જોકે તેઓ હુમલા માટે આગળ વધે તે પહેલા જ તેમને સૈન્ય દળો અને પોલીસે વચ્ચે જ અટકાવી દીધા હતા. આશરે દોઢ વર્ષથી હિંસાનો ભોગ બની રહેલા નાગરિકોમાં અસંતોષ વધી રહ્યો છે અને હવે તેઓ મંત્રીઓ, ધારાસભ્યોના મકાનો પર હુમલા કરવા લાગ્યા છે. વધુ ચાર ધારાસભ્યોના મકાનો પર હિંસાખોરોએ હુમલો કર્યો હતો જેમાં કેટલાકને આગ લગાવી દેવામાં આવી હતી.
ઝિરીબાનમાં ૧૧ કૂકી ઉગ્રવાદીઓને પોલીસ સ્ટેશન અને સૈન્યના કેમ્પ પર હુમલા બાદ જવાનોએ ઠાર માર્યા હતા. જે બાદ કૂકી ઉગ્રવાદીઓએ ઝિરીબાનમાં રાહત કેમ્પમાંથી છ લોકોનું અપહરણ કરી તેની હત્યા કરી નાખી હતી. મૃતકોમાં એક બે વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે જેનુ ઉગ્રવાદીઓએ માથુ વાઢી નાખ્યું હતું. અપહરણ કરાયેલા આખા પરિવારને ઉગ્રવાદીઓએ રહેંશી નાખ્યો હતો જે બાદ લોકો રોષે ભરાયા છે. સ્થિતિ કાબુ બહાર જતા હવે રાજ્યની ભાજપ સરકાર પર સમર્થક પક્ષોએ દબાણ વધાર્યું છે. નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)એ રવિવારે ભાજપના નેતૃત્વવાળી મણિપુરની સરકારમાંથી સમર્થન પાછુ ખેંચી લીધુ હતું.
કોનરાડ સંગમાના નેતૃત્વવાળી એનપીપીએ ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે મણિપુરની હિંસાને કાબુ કરવામાં મુખ્યમંત્રી બિરેનસિંહના નેતૃત્વમાં મણિપુર સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે સરકારને આપેલો ટેકો પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. ૨૦૨૨માં મણિપુર વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી, જેના પરિણામો પર નજર કરીએ તો ભાજપને ૩૨, કોંગ્રેસને પાંચ, જદ(યુ)ને ૬, નાગા પીપલ્સ ફ્રન્ટને પાંચ અને હાલમાં ટેકો પાછો ખેંચનારી એનપીપીને સાત બેઠક મળી હતી. ૬૦ બેઠકો ધરાવતી મણિપુર વિધાનસભામાં બહુમતનો આંકડો ૩૧ છે. ભાજપ પાસે પોતાના જ ૩૨ ધારાસભ્ય હોવાથી હાલ સરકાર સુરક્ષિત છે પરંતુ જનતામાં અસુરક્ષાનો માહોલ વધી રહ્યો છે. હાલ ઇમ્ફાલ, ઝિરીબાન સહિત સાત જિલ્લામાં ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરી દેવાઇ છે. જ્યારે બે જિલ્લામાં કરફ્યૂ લાગુ કરવો પડયો છે. જ્યારે ૨૩થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.