જયારે આઝાદ હિંદ રેડિયો પર અવાજ સંભળાયો - પ્રિય ભારતીયો હું સુભાષચંદ્ર બોઝ બોલું છું
સુભાષે સિંગાપોર રેડિયો પરથી ગાંધીજીને મહાત્મા તરીકે સંબોધ્યા હતા.
બહારથી આક્રમણ કરીશું અને તમે ભારતમાં રહીને વિપ્લવ શરુ કરી દો
નવી દિલ્હી,૨૩ જાન્યુઆરી,૨૦૨૧,શનિવાર
બીજા વિશ્વયુધ્ધમાં બ્રિટીશરોની સામે એક જબરદસ્ત તાકાત બનીને ઉભરી આવવાનો પ્લાન ઘડનાર નેતાજી સુભાષચંદ્ર બોઝ ફ્રિ ઇન્ડિયા નામના રેડિયો પ્રસારણ પરથી દેશવાસીઓને રાત્રે સંબોધન પણ કરતા હતા. સત્ય અને અહિંસાના માર્ગે દેશની આઝાદીનો પાયો નાખનારા મોહનદાસ કરમચંદ ગાંધીને આપણે રાષ્ટ્રપિતા તરીકે સંબોધીએ છીએ પરંતુ પહેલીવાર આ બિરુદ સુભાષચંદ્ર બોઝે ૬ જુલાઇ ૧૯૪૪ના રોજ સિંગાપોર રેડિયો પર આપેલા ભાષણમાં આપ્યું હતું. આમ જોવા જઇએ તો ગાંધીજી રાષ્ટ્રપિતા કયારે બન્યા તેની સરકારી ચોંપડે કોઇ રેકોર્ડ નથી મળતો પરંતુ ઉદ્દબોધનની શરૃઆત સુભાષચંદ્ર બોઝે કરી હતી.
એક માહિતી મુજબ સુભાષે આઝાદ હિંદ રેડિયો પર કહયું હતું કે પ્રિય ભારતીયો હું સુભાષચંદ્ર બોઝ બોલું છું. ગયા વર્ષે સંગઠન કાર્યમાં જોડાયેલો રહયો અને હવે આપણે સજજ છીએ. અમે બહારથી આક્રમણ કરીશું અને તમે ભારતમાં રહીને વિપ્લવ શરુ કરી દો. આપણે બ્રિટીશરોનો મુકાબલો મોર્ડન આર્મી તૈયાર કરીને જ કરી શકીએ છીએ. આ ભાષણ સાંભળીને દેશમાં ચેતનાની એક લહેર દોડી ગઇ હતી. આઝાદ હિંદ રેડિયોની શરુઆત સુભાષચંદ્ર બોઝે ૧૯૪૨માં જર્મનીમાંથી કરી હતી. આ રેડિયોનો ઉદ્દેશ ભારતીયોને અંગ્રેજો પાસેથી સ્વતંત્રતા મેળવવા માટેના આંદોલનનો પ્રચાર પ્રસાર કરવાનો હતો.
જો કે આનું મુખ્ય કાર્યાલય પહેલા જર્મનીમાં અને ત્યાર પછી દક્ષિણ પૂર્વ એશિયાના યુધ્ધ દરમિયાન સિંગાપુરમાં અને પછીથી રંગુનમાં ખસેડવામાં આવ્યું હતું. આ સ્ટેશન પરથી અંગ્રેજી, હિંદી, તમિલ, મરાઠી, પંજાબી ,પશ્ત અને ઉર્દુ ભાષામાં સાપ્તાહિક સમાચાર પ્રસારિત થતા હતા. તેમની આઝાદ હિંદ ફોજ સાથે જોડાયેલા સિપાહીઓ વિવિધ પ્રાંત અને વિવિધ ભાષા સમજતા હતા. આઝાદ હિંદ ફોજ રેડિયોનો ઉદ્દેશ અંગ્રેજો દ્વારા ચલાવવામાં આવતી બલ્ફ રેડિયો પ્રસારણનો મુકાબલો કરવાનો પણ હતો.