ગૃહિણીનું મૂલ્ય નોકરી કરનારા કરતા ઓછું ના ગણી શકાય, વળતરના કેસમાં સુપ્રીમકોર્ટની ટિપ્પણી

હાઇકોર્ટે મૃતક મહિલા ગૃહિણી હોવાથી કામના આધારે વળતરની રકમ વધારવા ના પાડી, સુપ્રીમે ડબલ કરી આપી

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
ગૃહિણીનું મૂલ્ય નોકરી કરનારા કરતા  ઓછું ના ગણી શકાય, વળતરના કેસમાં સુપ્રીમકોર્ટની ટિપ્પણી 1 - image


Supream Court news | સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન મહિલાઓ માટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઘરકામ કરતી મહિલાની ભૂમિકા એક પગારદાર વ્યક્તિ કરતા ઓછી નથી હોતી. હાઉસવાઇફ જે કામ કરી રહી છે તે કોઇ પગાર મેળવનારી વ્યક્તિ કરતા નાનુ નથી. ગૃહિણીઓના યોગદાનને સામાન્ય ગણવા બદલ સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. અકસ્માતમાં ગૃહિણીનું મોત નિપજ્યું હતું, જોકે વળતરની રકમ તેના કામને ધ્યાનમાં રાખીને નક્કી કરાઇ હતી. જેને પગલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.  

સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી રોડ અકસ્માતમાં એક ગૃહિણીના મૃત્યુ સંબંધીત મામલાની સુનાવણી દરમિયાન સામે આવી હતી. જે બાદ વિમાના મામલાને લઇને સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે પરિવારની દેખરેખ કરનારી મહિલાઓના યોગદાનનું મુલ્યાંકન રૂપિયા સાથે ના કરી શકાય. ન્યાયાધીશ સૂર્યકાંત અને કેવી વિશ્વનાથને ગૃહિણિઓને ધ્યાનમાં રાખીને આ મામલે ચુકાદો આપ્યો હતો. 

૨૦૦૬માં આ મહિલાનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું, મહિલા જે વાહન પર સવાર હતી તેનો વિમો નહોતો, જેને પગલે વાહનના માલિક પર વળતરનો દાવો થયો હતો. સ્થાનિક ટ્રિબ્યૂનલે આ મહિલાના પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને નુકસાન ભરપાઇ તરીકે ૨.૫ લાખ રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો હતો. જોકે પરિવારે નુકસાન ભરપાઇની રકમ ઓછી હોવાનું કહીને બાદમાં ઉત્તરાખંડ હાઇકોર્ટમા અપીલ કરી હતી. 

જોકે પરિવારની અપીલને હાઇકોર્ટે ૨૦૧૭માં રદ કરી દીધી હતી અને કહ્યું હતું કે મહિલા એક ગૃહિણી હોવાથી વળતર તેના ખર્ચા પર નિર્ભર કરે છે. બાદમાં મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાઇકોર્ટ દ્વારા જે અવલોકન કરવામાં આવ્યું તેની સાથે અમે સહમત નથી, એક ગૃહિણીની વેલ્યૂ પણ પગાર પર નિર્ભર નોકરિયાત કરતા ઓછી નથી હોતી. સુપ્રીમ કોર્ટે વળતરની રકમ છ લાખ રૂપિયા કરી આપી અને વાહનના માલિકને આ રકમ પીડિત મહિલાના પરિવારને છ સપ્તાહમાં ચુકવવા આદેશ આપ્યો હતો. .


Google NewsGoogle News