વિચાર્યું પણ નહીં હોય એ વસ્તુથી બનશે નેશનલ હાઇવે-રાજ્યના માર્ગો, કેન્દ્રની નવી ગાઇડલાઇન
Image: Facebook
Ministry of Road Transport and Highways: શહેરો માટે સમસ્યાનો પહાડ બની ચૂકેલા કચરાના નિકાલ માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે મહત્ત્વનું પગલું ઉઠાવ્યું છે. નેશનલ હાઇવેના નિર્માણની પ્રક્રિયાને સ્વચ્છ ભારત મિશન-2.0થી જોડતા ઘણા મહિનાથી મંત્રાલય આ વ્યવસ્થાને લાગુ કરવા માટે કામ કરી રહ્યું હતું કે શહેરી ઘન કચરાનો ઉપયોગ રસ્તાના નિર્માણમાં કરવામાં આવે. હવે સરકારે સમગ્ર ગાઇડલાઇન બનાવી લીધી છે.
ઇન્ડસ્ટ્રી વેસ્ટનો ઉપયોગ રસ્તાના નિર્માણમાં કરવામાં આવશે
કચરામાંથી મોટા પ્રમાણમાં નીકળતી માટીનો ઉપયોગ નેશનલ હાઇવેના નિર્માણમાં કરવાની સાથે જ રાજ્યોને પણ કહ્યું છે કે તે પણ માર્ગના નિર્માણમાં તેનો ઉપયોગ કરી શકે છે. નેશનલ હાઇવેના નિર્માણ સાથે જોડાયેલી તમામ સંસ્થાઓની સાથે જ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે તમામ રાજ્યોને પણ ગાઇડલાઇન જાહેર કરી દીધી છે.
આમાં જણાવવામાં આવ્યું છે કે પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખતા સરકાર એવી નીતિ બનાવવા પર કામ કરી રહી છે કે પ્રોસેસ્ડ સોલિડ વેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ, સ્ટીલ સ્લેગ (સ્ટીલ ઉત્પાદન કચરો) અને ઇન્ડસ્ટ્રી વેસ્ટનો ઉપયોગ રસ્તાના નિર્માણમાં કરવામાં આવે.
માર્ગ નિર્માણમાં ઉપયોગ માટે ગાઇડલાઇન બનાવી દેવાઈ છે
આ હેઠળ હાલ શહેરોથી નીકળનાર ઘન કચરાના માર્ગ નિર્માણમાં ઉપયોગ માટે ગાઇડલાઇન બનાવી લેવાઈ છે. સરકારનું કહેવું છે કે વર્તમાનમાં લગભગ 1700 લાખ ટન કચરો 2304 લેન્ડફિલ સાઇટ પર એકત્ર છે. આના કારણે લગભગ 10 હજાર હેક્ટર જમીન ઘેરાયેલી છે. આને જોતાં જ ગતિ શક્તિ અભિયાન હેઠળ હાઇવે નિર્માણને સ્વચ્છ ભારત મિશન 2.0થી જોડવામાં આવ્યું છે.
હાઇવે નિર્માણ માટે મોટા પાયે ખેતરોમાંથી માટી લેવી પડે છે. ઘન કચરાનો ઉપયોગ કરીને તેનાથી ઘણી હદ સુધી બચી શકાય છે. મંત્રાલયે જણાવ્યું છે કે ઘન કચરાની પ્રોસેસિંગથી નીકળનારી માટીથી હાઇવે નિર્માણના બે પાયલટ પ્રોજેક્ટ સફળ થઈ ચૂક્યા છે. હવે આ પ્રક્રિયાને અન્ય હાઇવેના નિર્માણમાં અપનાવવામાં આવશે અને રાજ્ય પણ રાજ્યોના માર્ગ બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકે છે.
નોડલ અધિકારીની નિમણૂક
ગાઇડલાઇનમાં આ પ્રક્રિયાને પણ સ્પષ્ટ કરી દેવાઈ છે કે ડીપીઆરના સ્તરના પ્રોજેક્ટ, નિર્માણાધીન પ્રોજેક્ટ અને આગામી પરિયોજનાઓ માટે ઠેકેદારો, સંબંધિત સત્તાવાળાઓ અને સંસ્થાઓ કઈ રીતે કામ કરી શકે છે. તમામ મામલે ત્રિપક્ષીય કરાર કરવા પડશે જેથી ઘન કચરાથી નીકળનારી માટીનો પુરવઠો નિર્માણ માટે ઉપયોગ થઈ શકે. રાજ્યોને આ વ્યવસ્થાને અમલમાં લાવવા માટે નોડલ અધિકારી નિમણૂક કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.