પુણેમાં આવેલું અનોખું મોદી ગણપતિ મંદિર, દર વર્ષે ઉજવાય છે ગણેશ ઉત્સવ
આ મોદી ગણપતિ મંદિરનો સમાવેશ શહેરના હેરિટેજ ટેમ્પલમાં પણ થાય છે
ઇંટોની દિવાલવાળું બાંધકામ અને લાકડાનું સુંદર કોતરકામ ધ્યાન ખેંચે છે
૨૦, સપ્ટેમ્બર,૨૦૨૩, બુધવાર
મહારાષ્ટ્રના પૂણેમાં આવેલી નારાયણ પેઠનું બોમ્બલ્યા ગણપતિ ટેમ્પલ મોદી ગણપતિ નામથી વધારે ઓળખાય છે.મંદિરના દરવાજા પર મોદી ગણપતિ મંદિર એવું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. આ મોદી ગણપતિ મંદિરમાં ગણેશોત્સવ ઉજવાય છે. આ મંદિરની નજીકમાં આવેલા ગાર્ડનનું નામ ખુશરુ શેઠ મોદી છે.આ બગીચામાંથી જ દાયકાઓ પહેલા ભગવાન ગણેશની મુર્તિ જડી આવી હતી. આથી આ મંદિરને મોદી ગણપતિ મંદિર કહેવામાં આવે છે.
આ મોદી ગણપતિ મંદિર ૧૯ મી સદીની શરુઆતમાં (ઇસ ૧૮૧૧)ભાટ નામના રત્નાગીરી કોકણસ્થ બ્રહ્માણ દ્વારા બાંધવામાં આવ્યું હતુ.તેમણે મંદિરના ગર્ભગૃહમાં સ્વયંભૂ ગણપતિની સ્થાપના કરી હતી.મંદિરનો સભામંડપ પછીથી ઇસ ૧૮૬૮માં બાંધવામાં આવ્યો હતો. આ મંદિરનું શિખર દેવાલી શૈલીમાં જે વર્ગીકૃત થયેલ નગારા શૈલીમાં આવે છે. જેમાં અર્ધ વર્તુળાકાર બારીઓના આકારમાં હરોળમાં બનાવવામાં આવી છે.
મોદી મંદિરની ફરતે ઇંટોની દિવાલવાળું બાંધકામ અને મંદિરના ગર્ભગૃહ અને સભામંડપની રચના ધરાવે છે. આ મંદિરનો સભામંડપ તત્કાલિન પેશ્વાઓના સમયના લાકડાના કોતરકામ અને છત ધરાવે છે.જે પુણેના કસ્બાપેઢ ગણપતિના મંદિરને આબેહૂબ મળતું આવે છે.
આ મંદિર લંબચોરસ ખંડ જોવો આકાર ધરાવે છે. સભા મંડપની બાજુમાં આવેલા ઓરડાઓ રહેઠાણ અને વહિવટી કામો માટે વપરાય છે. સભા મંડપની દિવાલોને ભગવાન શ્રી ગણેશના ચિત્રોથી સજાવવામાં આવેલી છે. ભગવાન ગણેશની મુર્તિ પિતળના બનાવેલા દેવઘરમાં બેસાડવામાં આવેલ છે. સભામંડપનું છાપરું કોંકણ પ્રદેશમાં આવેલા મકાનોની લાક્ષણિકતા ધરાવે છે. આ અચૂક જોવા જેવું છે જે પ્રાચીન વારસાગત મૂલ્ય ધરાવે છે.