સેકયુલર સિવિલ કોડ લાવવાનો સમય પાકી ગયો છે : મોદી
- સ્વાતંત્ર્ય દિને લાલકિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રજોગ સંબોધનમાં પીએમ મોદીએ વર્તમાન કાયદાને કોમવાદી અને ભેદભાવપૂર્ણ ગણાવ્યો
- મોદીએ લાલ કિલ્લા પરથી અત્યાર સુધીનું સૌથી લાંબુ ૯૮ મિનીટનું પ્રવચન આપ્યું, કોલકત્તાની ઘટના સંદર્ભમાં મહિલા અત્યાચારો અંગે ચિંતા વ્યક્ત કરી
- નાગરિકોને દેશનું કલ્યાણ સાંખી નહીં સકતા અને અંધાધૂંધી ઈચ્છતા લોકોથી સાવધ રહેવા પીએમની ચેતવણી
નવી દિલ્હી: દેશમાં ટૂંક સમયમાં કોમન સિવિલ કોડ આવી શકે છે તેવો સંકેત આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લાની પ્રાચીર પરથી ત્રિરંગો ફરકાવ્યા બાદ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે સેક્યુલર સિવિલ કોડ લાવવાનો સમય પાકી ગયો છે. હાલનો કાયદો કોમવાદી અને ભેદભાવ પૂર્ણ છે. જોકે, તેમણે આ સિવિલ કોડ ક્યારે આવશે તેની કોઈ ચોક્કસ સમય મર્યાદા આપી ન હતી.
લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત ચૂંટાઈને વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર લાલકિલ્લા પરથી દેશને સંબોધતાં વડાપ્રધાન મોદીએ અત્યાર સુધીનું સૌથી લાંબુ ૯૮ મિનિટનું ભાષણ આપતા વધુ એક વખત વન નેશન, વન ઈલેક્શનની જોગવાઈ જરૂરી હોવાનો પુનરોચ્ચાર પણ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ૧૧મુ ભાષણ આપતાં કહ્યું હતું કે બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ યુનિફોર્મ સિવિલ કોડની ભલામણ કરાઈ છે અને સુપ્રીમ કોર્ટના વખતોવખતના ચુકાદાઓએ પણ કોમન સિવિલ કોડને સમર્થન આપ્યું છે.
તેમણે કહ્યું હતું કે સમાજનો એક મોટો વર્ગ માને છે કે હાલનો સિવિલ કોડ સંપૂર્ણ કોમી રંગ ધરાવે છે. આપણે એક કોમવાદી સિવિલ કોડ સાથે ૭૫ વર્ષથી વધુ સમય પસાર કર્યા છે. તેના કારણે દેશમાં કોમવાદી ધુ્રવીકરણ તથા અસામનતા સર્જાયાં છે. હવે આપણે સેક્યુલર સિવિલ કોડની દિશામાં આગળ વધીએ તે સમયની માગ છે.
બાંગ્લાદેશના તાજેતરના ઘટનાક્રમ અને હિંદુઓ પરના હુમલાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ૧૪૦ કરોડ ભારતીયો બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા વિશે ચિંતિત છે. બાંગ્લાદેશમા ંફરી સામાન્ય સ્થિતિ સ્થપાશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત હંમેશાં બાંગ્લાદેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ફેલાય તેમ ઈચ્છે છે. વડાપ્રધાને કોલકત્તામાં જુનિયર મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના બનાવના સંદર્ભમાં દેશમાં મહિલાઓ પર વધતા અત્યાચારો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે રાજ્યસરકારોને આવા કિસ્સામાં ઝડપી ન્યાય માટે તાકીદે પગલાં ભરવા હાકલ કરી હતી.
પીએમ મોદીએ કહ્યું હતું કે આ ભારતનો સુવર્ણ કાળ છે અને ૨૦૪૭ સુધીમાં દેશ એક વિક્સીત રાષ્ટ્ર બની ચૂક્યો હશે. વડાપ્રધાને રાજકારણમાં ભાઈ ભત્રીજાવાદની નાબૂદીની હાકલ કરતાં કહ્યું હતું કે જેમનો પરિવાર કોઈ રીતે રાજકારણ સાથે સંકળાયેલો ના હોય તેવા એક લાખ યુવાનોએ રાજકારણમાં આવવું જોઈએ. તેઓ ઈચ્છે તે રાજકીય પક્ષમાં જોડાઈ શકે છે. વડાપ્રધાને ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં તબીબી અભ્યાસ માટે લાખો રુપિયા ખર્ચી રહ્યા હોવાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે દેશમાં આવતાં પાંચ વર્ષમાં તબીબી અભ્યાસક્રમોમાં ૭૫ હજાર બેઠકો વધારવામાં આવશે.
તેમણે કોઈનું નામ લીધા વિના વિપક્ષને આડે હાથ લેતા દેશના ઉત્થાનને નહી સાંખી શકતા લોકોથી સાવધ રહેવા નાગરિકોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો ભારતના કલ્યાણનું વિચારી શકતા નથી. દેશના કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો ખાનાખરાબી અને અંધાધૂંધી ઈચ્છી રહ્યા છે. તેમણે દેશમાં એટલું બધું નુકસાન કર્યું છે કે આપણે આ નુકસાનને સરભર કરવા માટે નવેસરથી શરૂઆત કરવી પડશે. વિપક્ષો પર સૂચક પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો ભ્રષ્ટાચારનું મહિમા ગાન કરી રહ્યા છે. જોકે, સરકાર દ્વારા ભ્રષ્ટાચાર સામ લડત અવિરત જારી રહેશે.
- ભાજપ નથી સેક્યુલર કે નથી સિવિલ : કપિલ સિબલનો આક્ષેપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિને લાલ કિલ્લા પરની પ્રાચીર પરથી દેશમાં સેક્યુલર સિવિલ કોડના અમલના સંકેત આપ્યાના બીજા દિવસે રાજ્યસભામાં સાંસદ કપિલ સિબલે શુક્રવારે ભાજપની આકરી ટીકા કરી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટીપ્પણી કરતાં કપિલ સિબલે ભારપૂર્વક કહ્યું કે, ધર્મનિરપેક્ષ અને સભ્ય દેશ આપણી તાતી જરૂરિયાત છે. પીએમ મોદીની ટીપ્પણીનો ઉલ્લેખ કરતાં સિબલે લખ્યું, પીએમનું કહેવું છે સમયની જરૂર છે... આ દેશમાં એક ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા... સાંપ્રદાયિક નાગરિક સંહિતા હેઠળ ૭૫ વર્ષ પસાર કર્યા. મારો વિચાર છે કે સમયની માગ છે એક ધર્મનિરપેક્ષ અને સભ્ય દેશ. છેલ્લા ૧૦ વર્ષમાં ભાજપ ન તો ધર્મનિરપેક્ષ રહ્યો છે ના સભ્ય રહ્યો.