બંધ મકાનમાં ચોર એસી ચાલુ કરી સૂઈ ગયો, પોલીસે ઉઠાડયો!
- ચોરી કરવાનું ભારે પડી ગયું
- પકડાયેલા ચોર કપિલ કશ્યપ સામે છ કેસ છે થોડા સમય પૂર્વે જ જેલમાંથી છૂટયો હતો
લખનઉ : લખનૌના ઇન્દિરા નગરના નિવાસી ડો. સુનીલ પાંડેને ત્યાં અનોખો કિસ્સો બની ગયો. તેઓનું પોસ્ટિંગ વારાણસીમાં હોવાથી તેઓ લખનૌમાં રહતા ન હોવાનો લાભ ઉઠાવી ચોર તેમના ઇન્દિરા નગરના મકાનમાં ઘૂસ્યો. તેણે ચોરી પણ કરી લીધી અને બધો સામાન ભરી પણ લીધો. તેના પછી તે એસી અને પંખો ચલાવી સૂઈ ગયો.
પડોશીઓની સૂચના પર પોલીસ સવારે નવ વાગે ડોક્ટરને ત્યાં પહોંચી હતી અને ચોરની ધરપકડ કરી હતી. આ પહેલા તો પડોશીઓઅ અને ડોક્ટરેે ચોરની બરોબરની ધોલાઈ કરી હતી. તેના પછી તે પોલીસને સોંપવામાં આવ્યો હતો.
ગાઝીપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિકાસ રાયના જણાવ્યા મુજબ પકડાયેલો ચોર મુસદ્દીપુરનો રહેનારો કપિલ કશ્યપ છે. તે સુનીલ પાંડેનું બંધ મકાન જોઈને ઘરમાં ઘૂસ્યો હતો. તેણે ઇન્વર્ટરની બેટરી, ગીઝર અને વાસણો સાથે અન્ય સામાન બે બોરીઓમાં ભરી લીધો હતો. બોરીમાં સામાન ભર્યા પછી તેણે ત્યાં સિગારેટ પીધી અને સૂઈ ગયો. સવારે પડોશીઓએ તાળુ તૂટેલું જોયું તો ડોક્ટરને સૂચના આપી. ડોક્ટરે પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જણાવ્યું હતું.
પોલીસ અને ડોક્ટરની સાથે પડોશીઓ પણ ઘરે પહોંચ્યા. તેમને ત્યાં કપિલ સૂતેલો મળ્યો. તેઓએ તેની ધરપકડ કરી હતી. તેની પાસેથી બધો માલ જપ્ત કરવામાં આવ્યો છે. એસીપીએ જણાવ્યું હતું કે કપિલની સામે ચોરીના છ કેસ નોંધાયેલા છે. તે થોડા મહિના પહેલાં જ ચોરીના કેસમાં જેલમાંથી છૂટયો હતો.