ચાવાળાને શોરૂમમાં બેસાડીને ભેજાબાજ બાઈક લઈને ફરાર
- કીટલીવાળાને પિતા ગણાવ્યા હતા
- રૂ. 1 લાખની બાઈકની ટેસ્ટ ડ્રાઈવ લેવા ગયો પછી પરત ન આવ્યો, અંતે ધરપકડ
લખનઉ : ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ભેજાબાજ ટેસ્ટ ડ્રાઈવના બહાને સ્પોર્ટ્સ બાઈક લઈને ફરાર થઈ ગયો હતો. શોરૂમમાં વિશ્વાસ ઊભો કરવા માટે તે ચા વાળાને પિતા બનાવીને લઈ ગયો હતો. આ ઘટના નાલબંધ વિસ્તારમાં આવેલા સેકન્ડ હેન્ડ બાઈકના શોરૂમની છે.
રિપોર્ટ મુજબ, સાહિલ નામનો યુવક શોરૂમમાં સેકન્ડ હેન્ડ રેસિંગ બાઈક ખરીદવા આવ્યો હતો. જેનો સોદો રૂપિયા એક લાખમાં નક્કી કરવામાં આવ્યો હતો. જે બાદ સાહિલ પિતાને લઈને બાઈક ખરીદવા આવું છું કહીને ચાલ્યો ગયો હતો. થોડી મિનિટો બાદ તે એક વૃદ્ધને લઈને શોરૂમમાં પરત આવ્યો હતો.
શોરૂમના માલિકે લોહામંડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું કે, સાહિલે વૃદ્ધને પોતાના પિતા ગણાવ્યા હતા. તેમને શોરૂમમાં બેસાડીને તે બાઈકની ટેસ્ટ ડ્રાઈવ લેવા ગયો હતો. જ્યારે, સાહિલ ઘણા સમય સુધી પરત ન આવ્યો ત્યારે, વૃદ્ધની પૂછપરછ કરવામાં આવી હતી. તેમણે સાહિલના પિતા ન હોવાનું અને પોતાની ચાની કીટલી હોવાની વાત કહી હતી.
ભેજાબાજ સાહિલે ચા વાળાને જરૂરી કામ માટે સાથે આવવા કહ્યું હતું. તેમની કીટલી પર તે અવારનવાર આવતો હોવાથી વિશ્વાસ રાખીને ચા વાળો તેની સાથે બાઈક શોરૂમ પહોચ્યો હતો. શોરૂમ માલિકની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધીને એક દિવસમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.