Get The App

ભગવાન વિષ્ણુનો દસમો અવતાર આ સંભલમાં જ જન્મ લેશે : યોગી

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
ભગવાન વિષ્ણુનો દસમો અવતાર આ સંભલમાં જ જન્મ લેશે : યોગી 1 - image


- સંભલમાં 1947થી અત્યાર સુધી 209 હિન્દુની હત્યા : મુખ્યમંત્રી

- સંભલમાં 46 વર્ષે ખોલાયેલા મંદિરમાં વધુ ચાર કુવા મળ્યા, ખંડિત મૂર્તિઓ અને સ્વસ્તિકવાળી ઇંટો નીકળી

- સંભલની જામા મસ્જિદને મંદિર તોડીને બનાવાઇ હોવાનો ઉલ્લેખ બાબરનામામાં પણ છે : યોગીનો દાવો

સંભલ : ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસાનો મુદ્દો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભામાં પોતાના ભાષણમાં ઉઠાવ્યો હતો. જે દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે સંભલમાં ૧૯૪૭થી લઇને અત્યાર સુધીમાં કુલ ૨૦૯ હિન્દુઓની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી. જે લોકો સંભલમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે મગરમચ્છના આંસુ વહાવી રહ્યા છે તેઓ હિન્દુઓ માટે એક શબ્દ નથી બોલી રહ્યા. યોગીએ કહ્યું હતું કે આપણુ પુરાણ પણ કહે છે કે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર સંભલમાં જ જન્મ લેશે.

ઉત્તર પ્રદેશની વિધાનસભામાં આંકડા આપતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે સંભલ હિંસાની શરૂઆત ૧૯૪૭થી શરૂ થઇ છે, ૧૯૪૮માં છ લોકો માર્યા ગયા, ૧૯૫૮માં ફરી હિંસા થઇ હતી, ૧૯૬૨ અને ૧૯૭૬ની હિંસામાં પાંચ લોકોના મોત થયા હતા. ૧૯૭૮માં ૧૮૪ હિન્દુઓને સામૂહિક સળગાવી દેવાયા હતા, જે બાદ વર્ષો સુધી આ વિસ્તારમાં કરફ્યૂ રહ્યો હતો. અત્યાર સુધીમાં ૨૦૯ હિન્દુઓની હત્યા કરવામાં આવી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે સંભલ હિંસામાં સામેલ કોઇ પણને બક્ષવામાં નહીં આવે. સાથે તેમણે કહ્યું હતું કે બાબરનામુ પણ કહે છે કે હરિહર મંદિર તોડીને જ એક ઢાંચો ઉભો કરાયો છે. આપણુ પુરાણ પણ કહે છે કે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર સંભલમાં જ થશે.   

સંભલમાં આવેલી મસ્જિદના સરવે દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, દાવો કરાઇ રહ્યો છે કે આ મસ્જિદને મંદિર તોડીને બનાવાઇ હતી, જે બાદ કોર્ટના આદેશથી સરવે હાથ ધરાઇ રહ્યો હતો ત્યારે હિંસા ફાટી નીકળી હતી જે દરમિયાન ગોળી વાગતા પાંચ મુસ્લિમ યુવકો માર્યા ગયા હતા. જેને ટાંકીને વિપક્ષ યોગી સરકારને ઘેરી રહ્યો હોવાથી મુખ્યમંત્રી યોગીએ આ વિસ્તારમાં અગાઉ થયેલી હિંસાની ઘટનાઓને ગણાવી હતી. સંભલમાં તાજેતરમાં ૪૬ વર્ષથી બંધ મંદિર ખોલાતા તેમાંથી એક કુવો મળી આવ્યો છે, કુવાની ખોદાઇ કરાતા તેમાંથી ૧૫થી ૨૦ મૂર્તિઓ અને સ્વસ્તિકવાળી ઇંટો મળી આવી છે. તેથી દાવો કરાઇ રહ્યો છે કે આ કુંવામાં હજુ પણ ઘણુ મળી શકે છે. કાર્બન ડેટિંગથી વધુ તપાસ કરવાની માગણી થઇ રહી છે. શરૂઆતની તપાસમાં એક કુવો મળ્યો હતો બાદમાં વધુ તપાસ કરાતા અન્ય ચાર કુવા મળી આવ્યા છે જેની અંદર શું છુપાવવામાં આવ્યું છે તેની હવે શોધખોળ કરાઇ રહી છે.


Google NewsGoogle News