ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ પર વચગાળાનો સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

- ગયા વર્ષે બજેટમાં ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમની જાહેરાત કરાઇ હતી

- મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના નેતૃત્ત્વવાળી ખંડપીઠે કેસની વધુ સુનાવણી 10 એપ્રિલે રાખી

Updated: Apr 5th, 2019


Google NewsGoogle News
ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ પર વચગાળાનો સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર 1 - image


(પીટીઆઇ) નવી દિલ્હી, તા.5 એપ્રિલ, 2019, શુક્રવાર

સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ પર વચગાળાનો સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો અને અરજકર્તા એનજીઓને યોગ્ય અરજી દાખલ કરવા જણાવ્યું હતું. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના નેતૃત્ત્વવાળી ખંડપીઠે આ મુદ્દે વિગતવાર સુનાવણીની જરૃર હોવાથી આ કેસની વધુ સુનાવણી ૧૦ એપ્રિલે કરવામાં આવશે. 

એનજીઓ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એડવોકેટ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે રાજકીય પક્ષોને હજારો કરોડ રૃપિયા બેનામી મળી રહ્યાં છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ૯૫ ટકા ઇલેક્ટોરલ બોન્ડ શાસક પક્ષને આપવામાં આવી રહ્યાં છે. 

કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એટર્ની જનરલ કે કે વેણુગોપાલે જણાવ્યું હતું કે રાજકીય પક્ષોને મળતા કાળા નાણાંને રોકવા માટે જ ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ શરૃ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે ભૂષણ એક ચૂંટણી ભાષણના સંદર્ભથી જણાવી રહ્યા છે કે ૯૫ ટકા ઇલેક્ટોરલ બોન્ડ શાસક પક્ષને આપવામાં આવી રહ્યાં છે. 

સુપ્રીમ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી જણાવ્યું હતું કે હાલમાં દેશમાં ચૂંટણીનું વાતાવરણ છે. અમે આ કેસની સુનાવણી ૧૦ એપ્રિલના રોજ કરીશું. 

એનજીઓએ પોતાની અરજીમાં ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ, ૨૦૧૮ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. કેન્દ્ર સરકારે આ સ્કીમનું નોટિફિકેશન ગયા વર્ષે જાન્યુઆરીમાં જારી કર્યુ હતું. 

ભાજપ નેતૃત્ત્વવાળી એનડીએ સરકારે ગયા વર્ષના બજેટમાં ઇલેક્ટોરલ બોન્ડની જાહેરાત કરી હતી. સરકારે તે વખતે દાવો કર્યો હતો કે આ યોજનાથી રાજકીય પક્ષોને મળતા કાળા નાણાંનો ભંડોળ અટકાવી શકાશે. 

અરજકર્તાએ આરોપ મૂક્યો છે કે બોન્ડ ખરીદનારા એટલે કે દાન આપનારા વ્યકિતની ઓળખ ચૂંટણી પંચને આપવામાં આવી રહી નથી અને તેનું નામ જાહેર કરવામાં પણ આવી રહ્યું નથી. જેના કારણે મતદાતાઓને પણ જાણ નથી કે પક્ષોને કોણ દાન આપી રહ્યું છે.


Google NewsGoogle News