સુપ્રીમ કોર્ટમાં આ વર્ષે ત્રણ મુખ્ય ન્યાયાધીશો જોવા મળશે
- સીજેઆઇ ખન્નાએ સરકારી આવાસ ના લીધુ
- જસ્ટિસ સંજીવ ખન્નાની મેમાં નિવૃત્તિ, જસ્ટિસ ગવઇ પછી જસ્ટિસ સુર્યકાંતા સીજેઆઇનું પદ સંભાળશે
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશોનો કાર્યકાળ સામાન્ય રીતે બહુ લાંબો નથી હોતો, અગાઉના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડનો કાર્યકાળ બે વર્ષ જેટલો રહ્યો હતો, તેઓ નવેમ્બર ૨૦૨૪માં નિવૃત્ત થયા હતા. એવામાં આ વર્ષે સુપ્રીમ કોર્ટને ત્રણ મુખ્ય ન્યાયાધીશો મળશે.
દેશના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના ૧૩મી મેના રોજ નિવૃત્ત થશે, તેમના સ્થાને ન્યાયાધીશ બી. આર. ગવઇ મુખ્ય ન્યાયાધીશ બનશે જેઓ ૨૩મી નવેમ્બરના રોજ નિવૃત્ત થશે. તેમની નિવૃત્તિ બાદ ન્યાયાધીશ સુર્યકાંતા મુખ્ય ન્યાયાધીશ બનશે. આમ એક જ વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં ત્રણ મુખ્ય ન્યાયાધીશો જોવા મળશે. એટલુ જ નહીં આ વર્ષે સુપ્રીમ કોર્ટના સાત ન્યાયાધીશો નિવૃત્ત થશે. તેથી તેમના સ્થાને અન્ય ન્યાયાધીશોને પદ સોંપવામાં આવશે.
વર્તમાન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ તો સરકાર તરફથી મળતુ આવાસ પણ નથી લીધુ, તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે કાર્યકાળ બહુ લાંબો ના હોવાથી આ નિર્ણય લીધો છે. પાંચ જાન્યુઆરીના રોજ ન્યાયાધીશ વી. રામસુબ્રમણ્યન નિવૃત્ત થવાના છે. તેમનો કાર્યકાળ આશરે ત્રણ વર્ષનો રહ્યો છે. ન્યાયાધીશ ઋષિકેશ રોય ૩૧ જાન્યુઆરીએ, ન્યાયાધીશ અભય એસ. ઓકા ૨૪ મેના રોજ નિવૃત્ત થશે, આ ઉપરાંત જસ્ટિસ બેલા ત્રિવેદી, જસ્ટિસ સુધાંશુ ધૂલિયા, જસ્ટિસ બીઆર ગવઇ, જસ્ટિસ સંજીવ ખન્ના પણ આ જ વર્ષે નિવૃત્ત થશે. સામાન્ય રીતે સૌથી સીનિયર ન્યાયાધીશને મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવતા હોય છે.