યુપીમાં 69000 શિક્ષક ભરતી મામલે હાઇકોર્ટના ચુકાદા પર સુપ્રીમની રોક
- હાઇકોર્ટે નવુ મેરિટ લિસ્ટ તૈયાર કરવા આદેશ આપ્યો હતો
- 2018માં યોગી સરકારે કરેલી ભરતીમાં અનામતના નિયમોનું પાલન ના થયું હોવાના આરોપ સાથે વિરોધ થયો હતો
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં ચાર વર્ષથી ૬૯,૦૦૦ શિક્ષકોની ભરતી વિવાદમાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે અને ઇલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણય પર હાલ રોક લગાવી દીધી છે. હાઇકોર્ટે ૬૯,૦૦૦ શિક્ષક ભરતીમાં તૈયાર કરેલા મેરિટ લિસ્ટને રદ કરીને ત્રણ મહિનામાં નવું મેરિટ લિસ્ટ તૈયાર કરવા આદેશ આપ્યો હતો. આ આદેશ પર હાલ સુપ્રીમે રોક લગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર અને હાઇકોર્ટમાં પક્ષકારોને પણ નોટિસ જારી કરી જવાબ માગ્યો છે. કોર્ટે પક્ષકારો પાસેથી વધુમાં વધુ સાત પાનામાં લેખિત દલીલોનું સંકલન આપવા માટે કહ્યું છે. બેંચ હવે આ મામલે ૨૩મી સપ્ટેમ્બરના રોજ આગામી સુનાવણી કરશે. ઇલ્હાબાદ હાઇકોર્ટે પોતાના ચુકાદામાં જૂન ૨૦૨૦ અને જાન્યુઆરી ૨૦૨૨ના સિલેક્શન લિસ્ટને રદ કરીને ઉત્તર પ્રદેશ સરકારને આદેશ આપ્યો હતો કે તે વર્ષ ૨૦૧૯માં થયેલા એટીઆરઇ સહાયક શિક્ષક ભરતી પરીક્ષાના આધાર પર ૬૯ હજાર શિક્ષકો માટે નવુ સિલેક્શન લિસ્ટ ત્રણ મહિનામાં જારી કરે.
હાઇકોર્ટે એમ પણ કહ્યું હતું કે જો કોઇ અનામત વર્ગનો ઉમેદવાર જનરલ કેટેગરી બરાબર મેરિટ પ્રાપ્ત કરે છે તો તેનુ સિલેક્શન જનરલ કેટેગરીમાં જ માનવામાં આવે. હાઇકોર્ટના આ આદેશને પગલે ઉત્તર પ્રદેશમાં મોટી સંખ્યામાં નોકરી કરી રહેલા શિક્ષકોં પર નોકરી જતી રહેવાનો ડર હતો. ઉત્તર પ્રદેશમાં તે સમયે અખિલેશ યાદવની સરકાર હતી, ત્યારે ૧ લાખ ૩૭ હજાર શિક્ષણમિત્રોને સહાયક શિક્ષક તરીકે સામેલ કરાયા હતા. જે બાદ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો, અને આ પ્રક્રિયાને રદ કરી દેવાઇ હતી તેથી શિક્ષણમિત્રના પદ પર તમામ પાછા આવી ગયા હતા. જે બાદ સુપ્રીમ કોર્ટે ૧ લાખ ૩૭ હજાર પદો પર ભરતીનો આદેશ આપ્યો હતો. યોગી સરકારે બાદમાં ૨૦૧૮માં ૬૮૫૦૦ પદો પર ભરતી કરી હતી. જોકે આ સમગ્ર ભરતી પ્રક્રિયામાં અનામતના નિયમનું પાલન ના થયું હોવાનો આરોપ થયો હતો. જે બાદ વિરોધ પ્રદર્શન થયા હતા.