ફરી નહીં લેવાય NEET, સુપ્રીમ કોર્ટનો ચુકાદો: કહ્યું- આખી પરીક્ષામાં ગરબડના પુરાવા નથી
Supreme Court Verdict On NEET Exam: ઘણાં સમયથી ચાલી રહેલા નીટ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. ચીફ જસ્ટિસના વડપણ હેઠળની બેન્ચે ચુકાદો આપતા કહ્યું છે કે, નીટ યુજી પરીક્ષા ફરીથી લેવામાં આવશે નહીં કારણ કે, આ પરીક્ષામાં થયેલી ગેરરીતિની ખૂબ જ મોટા પાયે અસર થઈ હોવાના પૂરતા પુરાવા નથી.
આ સુનાવણીમાં ચીફ જસ્ટિસની બેન્ચે કહ્યું કે, કોર્ટ સમક્ષ આ કેસનો મુખ્ય મુદ્દો એ હતો કે પ્રશ્નપત્ર લીક થયું હતું. અને પરીક્ષાના આયોજનમાં પ્રણાલીગત ખામીઓ હોવાના આધારે ફરીથી પરીક્ષા લેવા માટેનો નિર્દેશ આપવામાં આવે. નીટનું આયોજન 14 વિદેશી શહેરો ઉપરાંત દેશના 571 શહેરોના 4750 કેન્દ્રો પર કરવામાં આવ્યું હતું. 24 લાખ વિદ્યાર્થીઓ 1,08,000 બેઠકો માટે આ પરીક્ષાની સ્પર્ધામાં હતા.
આ દરમિયાન કોર્ટને વાકેફ કરાઈ હતી કે 50 ટકા એ કટઓફની ટકાવારી દર્શાવે છે. પરીક્ષાનું પ્રશ્નપત્ર કુલ 720 ગુણનું હોય છે, જેમાં 180 પ્રશ્નો હોય છે અને ખોટા જવાબ માટે એક નકારાત્મક ગુણ પણ હોય છે.
આ પણ વાંચો: બજેટમાં મોદી સરકારના 'ટેકેદારો' માટે મોટી જાહેરાત, આંધ્રપ્રદેશ-બિહાર પર પૈસા-પ્રોજેક્ટનો વરસાદ
ફરીથી પરીક્ષા લેવી વાજબી નથી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે આ વર્ષના પરિણામોની તુલના છેલ્લા 3 વર્ષના આંકડા સાથે પણ કરી છે, જેમાં અમને કોઈ વ્યાપક ગરબડ લાગી નથી રહી. અમે ઇચ્છીએ છીએ કે ખોટી પદ્ધતિઓ અપનાવનારા કોઈ પણ વિદ્યાર્થી લાભ ન લઈ શકે. અને ભવિષ્યમાં પણ પ્રવેશ મેળવી શકે નહી. અમે માનીએ છીએ કે ફરીથી પરીક્ષા લેવાથી 20 લાખથી વધુ વિદ્યાર્થીઓને અસર થશે. શૈક્ષણિક સત્ર ખોરવાઈ જશે, અભ્યાસમાં પણ વિલંબ થશે. તેથી, અમે ફરીથી પરીક્ષાને વાજબી માનતા નથી.