સુપ્રીમકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 'વોટના બદલે નોટ' મામલે સાંસદો-MLAને કાનૂની સંરક્ષણનો ઈનકાર
1998ના પાંચ જજોની બેન્ચના આદેશને પલટી નાખ્યો
સુપ્રીમકોર્ટે કહ્યું કે વિશેષાધિકાર હેઠળ હવે સાંસદો કે ધારાસભ્યોને છૂટ નહીં મળે
supream Court Verdict on MP | સુપ્રીમકોર્ટની સાત જજોની બેન્ચે આજે એક મહત્ત્વપૂર્ણ કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. 1998ના પોતાના જ આદેશને પલટી નાખતાં સુપ્રીમકોર્ટે વોટના બદલે નોટ મામલે ફસાયેલા સાંસદોને કાનૂની સંરક્ષણ આપવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમકોર્ટે કહ્યું કે વિશેષાધિકાર હેઠળ હવે સાંસદો કે ધારાસભ્યોને છૂટ નહીં મળે. વોટ માટે નોટ લેનારાઓ સામે પણ કાર્યવાહી કરવાનો સુપ્રીમકોર્ટે આદેશ આપ્યો હતો. સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે વોટ માટે લાંચ લેવી એ કાયદાનો ભાગ નથી.
નવા ચુકાદાની શું અસર થશે?
સુપ્રીમકોર્ટે વોટના બદલે નોટ મામલે એક મોટો ચુકાદો સંભળાવ્યો છે. જો સાંસદો હવે પૈસા લઈને ગૃહમાં ભાષણ કે વોટ આપશે તો તેમની સામે કેસ ચલાવાશે. એટલે કે હવે તેમને આવા કેસમાં કોઈ કાનૂની રાહત કે છૂટ નહીં મળે.
સાત જજોની બંધારણીય બેન્ચે ચુકાદાને પલટ્યો
સુપ્રીમકોર્ટની સાત જજોની બંધારણીય બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપતાં અગાઉનો પાંચ જજોની બેન્ચનો ચુકાદો પલટી નાખ્યો હતો. ખરેખર સુપ્રીમકોર્ટે 1998માં નરસિમ્હારાવના ચુકાદાને પલટી નાખ્યો હતો. 1998માં 5 જજોની બંધારણીય બેન્ચે 3:2ના બહુમતથી નક્કી કર્યું હતું કે આ મુદ્દાને લઈને લોકપ્રતિનિધિઓ સામે કેસ નહીં ચલાવી શકાય પણ સુપ્રીમકોર્ટે આ ચુકાદાને પલટી નાખ્યો છે જેના કારણે સાંસદો કે ધારાસભ્યો ગૃહમાં વોટ માટે લાંચ લઈને કેસની કાર્યવાહીથી બચી નહીં શકે.