'શક્ય તેટલો ઝડપથી ઉકેલ લાવો તો સારુ', સરહદ વિવાદ પર જયશંકરની ચીનને સલાહ
- ભારત હંમેશાથી સરહદ વિવાદના નિષ્પક્ષ અને તર્કસંગત ઉકેલ માટે પ્રતિબદ્ધ છે: જયશંકર
Image Source: TWitter
નવી દિલ્હી, તા. 12 માર્ચ 2024, મંગળવાર
વિદેશ મંત્રી જયશંકરે ભારત અને ચીન વચ્ચ તણાવ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, બંને દેશો હાલની સ્થિતિથી કોઈ પણ દેશને લાભ નથી થયો.
જયશંકરે સોમવારે સાંજે પેનલ ચર્ચામાં ભારત અને ચીન વચ્ચેની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર સેનાની હાજરી ઘટાડવા અને હાલના કરારોને જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો.
તેમણે કહ્યું કે મને લાગે છે કે તે આપણા બંનેના હિતમાં છે કે આપણે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર વધુ પડતા સૈનિકો તૈનાત ન કરવા જોઈએ. મને લાગે છે કે આપણા હિતમાં છે કે, આપણે એ કરારનું પાલન કરવું જોઈએ જેના પર આપણે હસ્તાક્ષર કર્યા છે. આ માત્ર ભારતના હિતમાં જ નથી પરંતુ ચીનના હિતમાં પણ છે. છેલ્લા ચાર વર્ષમાં બંને દેશો વચ્ચેના તણાવથી કોઈને ફાયદો નથી થયો.
શક્ય તેટલો ઝડપથી ઉકેલ લાવો તો સારુ
વિદેશ મંત્રી જયશંકરે એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારત હંમેશાથી સરહદ વિવાદના નિષ્પક્ષ અને તર્કસંગત ઉકેલ માટે પ્રતિબદ્ધ છે અને LACનો સ્વીકાર કરે છે. તેમણે કહ્યું કે આપણે આ વિવાદને જેટલો ઝડપથી ઉકેલી લઈશું તેટલું જ આપણા બંને માટે સારું છે.
જયશંકરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સરહદ વિવાદને લઈને ચીન સાથે અનેક તબક્કાની વાતચીત થઈ ચૂકી છે. જૂન 2020માં પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં અથડામણ થયેલી બાદથી ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલુ છે. આ ગતિરોધને શાંત કરવા માટે બંને દેશો વચ્ચે અનેક તબક્કાની રાજદ્વારી અને સૈન્ય વાટાઘાટો થઈ ચૂકી છે પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો. હાલમાં બંને જ પક્ષો શાંતિ જાળવી રાખવા માટે સંમત થયા છે.
સીમા વિવાદને ઉકેલવા માટે ચીન દ્વારા કરવામાં આવેલી ઓફરના સવાલ પર જયશંકરે કહ્યું કે જો કોઈ દેશ સરહદ વિવાદના ઉકેલમાં સામેલ છે, તો તેણે વિશ્વાસ કરવો પડશે કે તેનું સમાધાન થવું જોઈએ.
રશિયા-ચીન અને પાકિસ્તાન પર કહી આ વાત
જયશંકરે રશિયા અને ચીન નજીક આવવા અંગે પણ પોતાની વાત મૂકી હતી. તેમણે કહ્યું કે જો રશિયા અને ચીન નજીક આવી રહ્યા છે તો તે કોઈ મુદ્દો નથી. આ ભારતનું કામ નથી. રશિયા અંગે અમારી નીતિ એકદમ સ્પષ્ટ અને ઉદ્દેશ્યપૂર્ણ છે.
પાકિસ્તાન સાથે વાતચીત પર વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતે પાકિસ્તાન સાથે વાતચીત માટે ક્યારેય પોતાના દરવાજા બંધ નથી કર્યા પરંતુ વાતચીતના કેન્દ્રમાં આતંકવાદનો મુદ્દો નિષ્પક્ષ અને સ્પષ્ટ હોવો જોઈએ. તેમણે કહ્યું કે વાતચીતમાં આતંકવાદનો મુદ્દો કેન્દ્રમાં હોવો જોઈએ. મુદ્દાઓ બીજા પણ છે પરંતુ વાત કરવા માટે આતંકવાદનો મુદ્દો ટાળી ન શકાય.