Get The App

કોંગ્રેસના માથે લાગેલું ઈમર્જન્સીનું પાપ ધોવાશે નહીં : મોદી

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસના માથે લાગેલું ઈમર્જન્સીનું પાપ ધોવાશે નહીં : મોદી 1 - image


- ભારત લોકતંત્રની જનની, સિદ્ધિઓ માટે બંધારણ ઘડવૈયાઓને નમન

- એકતાની ભાવનાથી બંધારણ બનાવાયું, પરંતુ ગુલામીની માનસિક્તામાં ઉછરેલા લોકો વિવિધતામાં વિરોધાભાસ શોધતા રહ્યા

- અમે દેશ હિતમાં એકતા માટે કલમ ૩૭૦, જીએસટી, હેલ્થ કાર્ડ, રાશન કાર્ડ જેવા સુધારા કર્યા ઃ વડાપ્રધાન

નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણના ૭૫ વર્ષ નિમિત્તે શનિવારે લોકસભામાં કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. કોંગ્રેસે માત્ર સત્તા સુખ અને સત્તા ભુખ માટે બંધારણમાં વારંવાર સુધારા કર્યા. નહેરુ-ગાંધી પરિવારે પોતાની અનુકૂળતા માટે બંધારણમાં સુધારાને 'આદત' બનાવી લીધી હતી અને તેની શરૂઆત પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કરી.            ગાંધી પરિવારે આ 'આદત'ને આગળ વધારી કારણ કે તેઓ બંધારણમાં સુધારાનું લોહી ચાખી ગયા હતા. આ જ કારણે કોંગ્રેસના માથે લાગેલું ઈમર્જન્સીનું પાપ ક્યારેય ધોવાઈ નહીં શકે. બીજીબાજુ અમે પણ બંધારણમાં સુધારા કર્યા, પરંતુ તે દેશમાં પરિવર્તન અને દેશ હિત માટે કર્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'બંધારણના ૭૫ વર્ષની ગૌરવશાળી યાત્રા' પર બે દિવસની ચર્ચાના અંતે જવાબ આપતા કોંગ્રેસ પર નિશાન સાધતા ઈમર્જન્સીનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, દુનિયામાં જ્યારે પણ લોકતંત્ર પર ચર્ચા થશે તો કોંગ્રેસના માથેથી ઈમર્જન્સીનું કલંક ક્યારેય દૂર થઈ શકશે નહીં, કારણ કે લોકતંત્રનું ગળું દબાવી દેવાયું હતું. ભારતીય બંધારણના ઘડવૈયાઓની તપસ્યા માટીમાં ભેળવી દેવાનો પ્રયાસ કરાયો હતો. વડાપ્રધાન મોદીએ દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ૧૯૪૭-૧૯૫૨માં આ દેશમાં ચૂંટાયેલી સરકાર નહોતી. એક અસ્થાયી વ્યવસ્થા, સિલેક્ટેડ સરકાર હતી. ૧૯૫૨માં પહેલી ચૂંટણી થઈ હતી. પરંતુ આ પહેલાં ૧૯૫૧માં ચૂંટાયેલી સરકાર નહીં હોવા છતાં અને બંધારણ અમલમાં આવ્યાના માત્ર બે જ વર્ષમાં જવાહરલાલ નહેરુએ બંધારણમાં પહેલો સુધારો કરીને અભિવ્યક્તિની આઝાદી પર હુમલો કર્યો હતો.

તેમણે ઉમેર્યું કે, પંડિત નહેરુને આ પાપ કરતી વખતે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે ચેતવણી આપી હતી, પરંતુ પંડિતજી પોતાનું બંધારણ ચલાવતા હતા. ત્યાર પછી તો કોંગ્રેસે બંધારણમાં એટલા બધા સુધારા કર્યા કે છ દાયકામાં ૭૫ વખત બંધારણમાં ફેરફાર કરાયા. આઝાદી સમયે એકતાની ભાવનાથી બંધારણ બનાવાયું, પરંતુ આઝાદી બાદ તુરંત જ એકતાની મૂળ ભાવના પર પ્રહાર કરાયા અને ગુલામીની માનસિક્તામાં ઉછરેલા લોકો વિવિધતામાં એકતાની જગ્યાએ વિરોધાભાસ શોધતા રહ્યા.

કોંગ્રેસ પર હુમલા કરવાની સાથે પીએમ મોદીએ છેલ્લા દાયકામાં તેમની સરકારની સિદ્ધિઓ પણ ગણાવી હતી. તેમણે કલમ ૩૭૦, જીએસટી, હેલ્થ કાર્ડ, રાશન કાર્ડ જેવી સિદ્ધિઓ ગણાવતા તેમની સરકારે દેશમાં એકતા માટે લીધેલા પગલાની પણ વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, બંધારણની ૭૫ વર્ષની સિદ્ધિ સાધારણ નહીં, અસાધારણ છે. દેશ આઝાદ થયો અને તે સમયે ભારત માટે જે સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી તેને પરાસ્ત કરતા ભારતનું બંધારણ આપણને અહીં સુધી લઈ આવ્યું છે. આથી આપણા બંધારણના ઘડવૈયાઓની દીર્ઘ દૃષ્ટિ, તેમના યોગદાન માટે તેમને નમન છે.

તેમણે કહ્યું કે, બંધારણમાં ફેરફાર અમે પણ કર્યા છે. ડંકાની ચોટ પર કર્યા છે, પરંતુ તે દેશના હિતો માટે કર્યા છે. અમે બંધારણની એકતાની ભાવનાને અનુરૂપ નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાને મહત્વ આપ્યું. હવે ગરીબ પરિવારોના બાળકો માતૃભાષામાં અભ્યાસ કરીને ડૉક્ટર-એન્જિનિયર બની શકશે. દેશની એકતા માટે કલમ ૩૭૦ અવરોધરૂપ હતી તેથી અમે તેને જમીનમાં દાટી દીધી. ભારત ટૂંક સમયમાં વિશ્વનું ત્રીજું અર્થતંત્ર બનવાની દિશામાં મજબૂતીથી આગળ વધી રહ્યું છે.  તેમણે કહ્યું કે, ભારતના લોકતંત્ર, ગણતંત્રનો ભૂતકાળ ખૂબ જ ભવ્ય અને સમૃદ્ધ તથા વિશ્વ માટે પ્રેરણા સમાન છે. ભારત આજે લોકતંત્રનની જનની તરીકે ઓળખાય છે.


Google NewsGoogle News