'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મના સ્ક્રીનિંગ મુદ્દે JNUમાં હોબાળો! પોસ્ટર ફાડ્યા પછી પથ્થરમારો
The Sabarmati Report's JNU Screening: જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU)માં 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મના સ્ક્રીનિંગને લઈને મોટો હોબાળો થયો છે. આ ફિલ્મના સ્ક્રીનિંગના વિરોધ વ્યક્ત કરવા માટે કેમ્પસમાં લગાવેલા પોસ્ટર ફાડવામાં આવ્યા. મળતી માહિતી અનુસાર, સાબરમતી ફિલ્મનું પોસ્ટર ફાડ્યા બાદ પથ્થરમારાની ઘટના પણ બની હતી.
સ્ક્રીનિંગ દરમિયાન થયેલા હુમલાની ABVPએ કરી ટીકા
હાલમાં જ રિલીઝ થયેલી વિક્રાંત મૈસીની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'નું ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં સ્ક્રીનિંગ કરાયું હતું. આ દરમિયાન કેટલાક તત્ત્વોએ તેનો વિરોધ કર્યો, પોસ્ટરો ફાડ્યા અને પથ્થરમારો પણ કર્યો. આ ઘટનાનો વિરોધ કરતા એબીવીપીએ કહ્યું કે, ‘આ અભિવ્યક્તિની આઝાદી પર હુમલો છે, જેને અમે વખોડી કાઢીએ છીએ. આ કાયરતાપૂર્ણ હુમલો છે. અજાણ્યા ઉપદ્રવીઓ દ્વારા શાંતિથી ફિલ્મ જોતા દર્શકો પર પથ્થરમારો કરાયો હતો, જેના કારણે હજારો વિદ્યાર્થીઓ અને ત્યાં હાજર લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.'
‘ધ સાબરમતી રિપોર્ટ’ ગોધરા કાંડ પર આધારિત ફિલ્મ છે, જેની હાલ દેશભરમાં ચર્ચા છે. આ ફિલ્મમાં 2002ના ગુજરાત રમખાણોની સાથે મહત્ત્વપૂર્ણ સામાજિક મુદ્દા પણ ઉઠાવાયા છે. આ ફિલ્મ રિલીઝ પહેલેથી જ વિવાદમાં છે. કેટલાક લોકોએ ફિલ્મને એકતરફી પણ ગણાવી છે, જ્યારે કેટલાક લોકોએ તેના વખાણ કર્યા છે. બીજી તરફ, ભાજપ શાસિત કેટલાક રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી પણ કરી દેવાઈ છે.
આ ફિલ્મનો પ્લોટ શું છે?
આ ફિલ્મમાં વર્ષ 2002માં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં ગોધરા સ્ટેશને આગ લાગવાની ઘટના અને ત્યારબાદ થયેલા રમખાણોની તપાસની વાત કરાઈ છે. આ ફિલ્મ એક પત્રકારની કહાની છે, જે આ ઘટનાના સત્યનો ઉજાગર કરવાના પ્રયાસ કરે છે.