ઉત્તરકાશીની સુરંગમાં ફસાયેલા 40 મજૂરોનું બચાવ અભિયાન છઠ્ઠા દિવસે પણ જારી
- ડ્રિલિંગ માટે અમેરિકન ઓગર મશીનનો ઉપયોગ
- ફસાયેલા મજૂરો સુરક્ષિત અને તેમને એર કોમપ્રેસ્ડ પાઇપથી ઓક્સિજન, દવાઓ, ખોરાક અને પાણી પૂરા પડાયા
- સુરંગમાં 25 મીટર સુધી પાઇપ પહોંચી : હજુ 60 મીટર સુધી જવું જરૂરી
- પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફ, આઇટીબીપી સહિતની ટીમો 24 કલાક તૈનાત
ઉત્તરકાશી : છેલ્લા છ દિવસથી ઉત્તરાકાશીની સુરંગમાં ફસાયેલા મજૂરોને હજુ સુધી બહાર કાઢી શકાયા નથી. સુરંગમાં ફસાયેલા મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કવાયત ઝડપી બનાવી દેવામાં આવી છે. ટનલમાં હેવી ડ્રિલિંગ મશીનથી બચાવ કાર્ય યુદ્ધસ્તરે ચાલી રહ્યું છે.
નેશનલ હાઇવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (એનએચઆઇડીસીએલ)એ બચાવ ઓપરેશન અંગે તાજેતરના અપડેટમાં જણાવ્યું છે કે ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે પેસેજ તૈયાર કરવા માટે પાંચમા પાઇપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ડ્રિલિંગ કરી રહેલા અમેરિકન ઓગર મશીનમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે સુરંગમાં પાઇપ નાખવાનું કાર્ય બંધ છે. અત્યાર સુધી સુરંગમાં ૨૫ મીટર પાઇપ નાખવામાં આવ્યું છે. જ્યારે સુરંગમાં ૭૦ મીટર સુધી કાટમાળ છે.
ઘટના સ્થળે તૈનાત પોલીસ અને બચાવ ટીમના સભ્યો સંપૂર્ણપણે એલર્ટ છે. ઉત્તરકાશીના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ અર્પણ યદુવંશીના નિર્દેશ અનુસાર ઘટના સ્થળે પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફ, આઇટીબીપી, મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે.
ઉત્તરકાશીના એસપીએ જણાવ્યું હતું કે ટનલમાં આધુનિક મશીનોની મદદથી ડ્રિલિંગ કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યું છે.
ટનલમાં ફસાયેલા તમામ મજૂરો સુરક્ષિત છે. તેમને સમયાંતરે પાણી અને ઓક્સિજન પૂરુ પાડવામાં આવી રહ્યું છે. તેમનું મનોબળ બનાવી રાખવા માટે પરિવારજનો સાથે સતત વાતચીત કરવામાં આવી રહી છે.
પોલીસ હેલ્પ ડેસ્ક પણ પરિવારજનો સાથે સંપર્ક સાધી પળે-પળની માહિતી આપી રહ્યું છે. ઘટના સ્થળે પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફ, આઇટીબીપી અને અન્ય ઇમરજન્સી દળોની ટીમે ૨૪ કલાક તૈનાત છે. કોઇ પણ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક બચાવ સેવાઓ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સુંરગનો એક ભાગ ભૂસ્ખલનને પગલે ધરાશયી થતાં ૪૦ મજૂરો રવિવાર સવારે સુરંગમાં ફસાઇ ગયા હતાં. આ દરમિયાન ઉત્તરકાશીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અભિષેક રુહેલાના જણાવ્યા અનુસાર ફસાયેલા મજૂરો સુરક્ષિત છે અને તેમને એર કોમપ્રેસ્ડ પાઇપથી ઓક્સિજન, દવાઓ, ખોરાક અને પાણી આપવામાં આવી રહ્યું છે.