ખેડૂતો અંગેનો સ્વામીનાથન આયોગનો રિપોર્ટ ગુમ! કૃષિ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ પર જ નથી
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર
મહાન કૃષિ વૈજ્ઞાનિક ડો. એમએસ સ્વામીનાથનને તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ ભારત રત્નથી સન્માનિત કરવાનું એલાન કર્યુ હતુ. દરમિયાન તેમનો લખેલો એક રિપોર્ટ કૃષિ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ પરથી ગાયબ થઈ ગયો છે. આ પહેલા વેબસાઈટ પર સ્વામીનાથન આયોગના રિપોર્ટના તમામ પાર્ટ હતા. તેમણે રાષ્ટ્રીય ખેડૂત આયોગના અધ્યક્ષ પદ પર રહીને આ રિપોર્ટ લખ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઘણી માંગોને લઈને આંદોલન કરી રહેલા ખેડૂતોની એક માંગ એ પણ છે કે સ્વામીનાથન આયોગના રિપોર્ટમાં કરવામાં આવેલી ભલામણોને લાગુ કરવામાં આવે.
સ્વામીનાથન આયોગનો રિપોર્ટ કૃષિ મંત્રાલયની વેબસાઈટ પરથી ગાયબ થવાના સમાચાર ત્યારે આવ્યા જ્યારે MSP પર કાયદા સહિત પોતાની તમામ માંગોને લઈને પંજાબ-હરિયાણા સહિત ઘણા રાજ્યોના ખેડૂત આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે તેમના પાકની કિંમત સ્વામીનાથન આયોગના રિપોર્ટ અનુસાર નક્કી કરવી જોઈએ.
સ્વામીનાથને પોતાના રિપોર્ટમાં દેશમાં ખોરાક અને પોષણ સુરક્ષા માટે રણનીતિ બનાવવાની ભલામણ કરી હતી. આ સિવાય તેમના રિપોર્ટમાં ભલામણ હતી કે ફામિંગ સિસ્ટમની પ્રોડક્ટિવિટી અને સ્થિરતામાં સુધારો કરવામાં આવે. રિપોર્ટમાં ખેડૂતોને મળનાર લોનનો ફ્લો વધારવા માટે સુધારો કરવાની વાત કહેવામાં આવી હતી. તેમણે પોતાના રિપોર્ટમાં ખેડૂતોના પાક માટે MSP નક્કી કરવાનું સૂચન આપ્યુ હતુ. આને C2+50% ફોર્મ્યૂલા પણ કહેવામાં આવે છે. રિપોર્ટમાં ખેડૂતોને તેમના પાકના સરેરાશ ખર્ચથી ઓછામાં ઓછા 50 ટકા વધુ MSP આપવાનું સૂચન આપવામાં આવ્યુ હતુ.