રાહુલ ગાંધીની ફીના કારણે અમિતાભ અને સોનિયા ગાંધી વચ્ચેના સબંધો તુટી ગયા હતા
નવી દિલ્હી,તા.4 જુલાઈ 2021,રવિવાર
લાંબા સમય સુધી એક બીજાના મિત્ર રહેલા બચ્ચન પરિવાર અને ગાંધી પરિવારના સબંધોમાં તિરાડ કેમ પડી તે અંગે અગાઉ પણ ઘણા દાવા થઈ રહ્યા છે પણ તાજેતરમાં પૂર્વ સાંસદ સંતોષ ભારતીયના નવા પુસ્તકમાં જે દાવો આ બાબતે થયો છે તે ઘણો ચોંકાવનારો છે.
પોતાના પુસ્તકમાં સંતોષ ભારતીયે લખ્યુ છે કે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના અભ્યાસ માટે તે સમયના કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફી ની વ્યવસ્થા કરવા માટે અમિતાભ બચ્ચનને કહ્યુ હતુ પણ બચ્ચને આ માટે આનાકાની કરી હતી. લેખના કહેવા પ્રમાણે પૂર્વ પીએમ રાજીવ ગાંધીની હત્યા બાદ સોનિયા ગાંધી પોતાના પુત્ર રાહુલ ગાંધીના અભ્યાસને લઈને ચિંતામાં રહેતા હતા. તેમણે પોતાની ચિંતા અમિતાભ બચ્ચન આગળ વ્યક્ત કરી હતી.
ફી અંગે બચ્ચને સોનિયા ગાંધીને કહ્યુ હતુ કે, લલિત સૂરી અને સતિષ શર્માના કારણે પૈસામાં ગરબડ થઈ ગઈ છે અને એટલા પૈસી નથી પણ હું કંઈક વ્યવસ્થા કરીશ. સૂરી અને શર્મા તે સમયે કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને રાજીવ ગાંધીની નિકટના મનાતા હતા.
પુસ્તકમાં દાવો કરાયો છે કે, રાજીવ ગાંધી જીવીત હતા ત્યારે સૂરી, શર્મા અને બચ્ચને ચોખાનો વેપાર શરૂ કર્યો હતો. જેને ભારત સરાકરે મંજૂરી આપી હતી. આ વેપારમાં બીજા કેટલાક લોકો પણ સામેલ હતા. જેમના નામ સામે આવ્યા નથી. પુસ્તકમાં આગળ લખાયુ છે કે, સોનિયા ગાંધીએ ચિંતા વ્યક્ત કર્યા બાદ બચ્ચને બે દિવસમાં 1000 ડોલરનો ચેક મોકલાવ્યો હતો. જેને સોનિયા ગાંધીએ પાછો મોકલાવી દીધો હતો.
સોનિયા ગાંધી આ ઘટનાને ભુલી શક્યા નહોતા અને પોતાનુ અપમાન થયુ છે તેમ માનીને અમિતાભ સાથેના સબંધો હંમેશા માટે તોડી નાંખ્યા હતા. લેખકના કહેવા પ્રમાણે આ પહેલા અમિતાભ બચ્ચને સંજય ગાંધી પાસે 20 લાખ રૂપિયા માંગ્યા હતા અને સંજય ગાંધી પાસે આટલા પૈસા નહોતા, ત્યારથી અમિતાભ બચ્ચને સંજય ગાંધી સાથે અંતર રાખવા માંડ્યુ હતુ. જોકે અમિતાભના માતા તેજી બચ્ચન અને ઈન્દિરા ગાંધી વચ્ચે હંમેશા સારા સબંધ રહ્યા હતા અને તેના કારણે આ બંને પરિવારો એક બીજાની નિકટ આવ્યા હતા. રાજીવ ગાંધી અને અમિતાભ બચ્ચન વચ્ચે બહુ નિકટના સબંધ હતા. જ્યારે પણ કોઈ વિદેશી મહાનુભાવ ભારતની મુલાકાતે આવે ત્યારે રાજીવ ગાંધી અમિતાભ બચ્ચનને સાથે રાખતા હતા અને એક વખત તો રશિયન રાષ્ટ્રપતિ આવ્યા ત્યારે રાજીવ ગાંધીએ અમિતાભ બચ્ચન પાસે મેરે અંગને મેં...ગીત પર ડાન્સ પણ કરાવ્યો હતો.
પુસ્તકમાં કરાયેલા દાવા પ્રમાણે રાજીવ ગાંધી અને અમિતાભ બચ્ચન વચ્ચે વીપી સિંહ વડાપ્રધાન બન્યા પછી ટકરાવ શરૂ થયો હતો. એક તબક્કે તો રાજીવ ગાંધીએ અમિતાભને સાપ કહીને સંબોધન કર્યુ હતુ. તે વખતે કોંગ્રેસના નેતા રાજીવ શુક્લા ત્યાં હાજર હતા.