રામ મંદિર ત્યાં જ બન્યું જ્યાં તેને બનાવવાનો સંકલ્પ લીધો હતો : યોગી

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
રામ મંદિર ત્યાં જ બન્યું જ્યાં તેને બનાવવાનો સંકલ્પ લીધો હતો : યોગી 1 - image


- રામ મંદિર રાષ્ટ્ર મંદિર છે : મુખ્યમંત્રી

- 500 વર્ષના અંતરાળ બાદ રામલલાનું બિરાજવું ભારતમાં રામરાજ્યની સ્થાપનાની ઉદ્ધોષણા : સીએમ યોગી

અયોધ્યા : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ઉ. પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉપસ્થિત સંતો અને મહેમાનોને સંબોધ્યા હતા, જે દરમિયાન તેમણે કહ્યું હતું કે શ્રીરામ જન્મભૂમિ વિશ્વમાં પહેલુ એવુ સ્થળ હશે કે જ્યાં મંદિર નિર્માણ માટે બહુમતી સંખ્યાના લોકોએ પોતાના જ દેશમાં વર્ષો સુધી લડાઇ લડવી પડી હોય. 

યોગીએ કહ્યું હતું કે આજનો દિવસ મારા અંગત જીવન માટે પણ આનંદનો અવસર છે. આ શ્રીરામ જન્મભૂમિ મુક્તિનો જ સંકલ્પ હતો જેણે મને પૂજ્ય ગુરુદેવ, રાષ્ટ્રસંત બ્રહ્મલીન મહંત શ્રી અવેદ્યનાથજી મહારાજનું પુણ્ય સાન્નિધ્ય પ્રાપ્ત કરાવ્યું. શ્રીરામ જન્મભૂમિ મુક્તિ મહાયજ્ઞા ન માત્ર સનાતન આસ્થા તેમજ વિશ્વાસની પરીક્ષાનો કાળ રહ્યો, સાથે સાથે સંપૂર્ણ ભારતને એકાત્મકતાના સુત્રમાં બાંધવા માટે રાષ્ટ્રની સામૂહિક ચેતના જાગરણના ધ્યેયમાં પણ સફળ સિદ્ધ થયું. 

ઉ. પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે શ્રી રામ જન્મભૂમિ મંદિરની સ્થાપના ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણનું આધ્યાત્મિક અનુષ્ઠાન છે. આ રાષ્ટ્ર મંદિર છે, પ્રાણ પ્રતિષ્ઠા રાષ્ટ્રીય ગૌરવનો ઐતિહાસિક અવસર છે.  યોગીએ કહ્યું હતું કે મને સંતોષ છે કે મંદિર ત્યાં જ બન્યું છે જ્યાં તેને બનાવવાનુ વચન લીધુ હતું, ૫૦૦ વર્ષોના અંતરાળ બાદ રામલલાના વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અને અત્યંત પાવન અવસર પર આજે પુરુ ભારત ભાવ-વિભોર છે. અવધપુરીમાં શ્રી રામલલાનું બિરાજવું ભારતમાં રામરાજ્યની સ્થાપનાની ઉદ્ધોષણા છે. સંતોએ આશીર્વાદ આપ્યા અને રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ જેવા સામાજિક સાંસ્કૃતિક સંગઠનોએ રુપરેખા તૈયાર કરી. જનતાને એક કરી અને અંતે સંકલ્પ સિદ્ધ થયો. અયોધ્યા નગરીએ પોતાના ખોયેલા ગૌરવને પ્રાપ્ત કર્યું છે. 


Google NewsGoogle News