વડાપ્રધાને રૂ. 100 લાખ કરોડના ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનને ખુલ્લો મુક્યો
- દેશભરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા ફેરફારો માટેના
- ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન ૨૧મી સદીના ભારતની ગતિને વધુ શક્તિ પ્રદાન કરશે : પીએમ મોદી
- અગાઉની સરકારોમાં 'કાર્ય પ્રગતિ પર હૈ'ના બોર્ડ લાગતા, પછી કોઇ કામ થતા જ નહીં, પૈસા વેડફાતા હતા તેવો દાવો
- બધા જ વિભાગો અને મંત્રાલયોની ઇન્ફ્રા.ની યોજનાઓને એક પ્લેટફોર્મ પર લાવીને પુરી કરાશે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્તરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક ગતી શક્તિ નેશનલ માસ્ટર પ્લાનને ખુલ્લો મુક્યો હતો. ૧૦૦ લાખ કરોડના આ માસ્ટર પ્લાનને લોંચ કરતી વેળાએ મોદીએ દેશના નામે સંદેશો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આજે દુર્ગાષ્ટમી છે, પુરા દેશમાં આજે શક્તિ સ્વરુપાનું પૂજન થઇ રહ્યું છે. શક્તિની ઉપાસનાના આ પૂણ્ય અવસર પર પુરા દેશની ગતિને પણ શક્તિ આપવાનું શુભ કાર્ય થઇ રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન ૨૧મી સદીના ભારતની ગતિને શક્તિ પ્રદાન કરશે. આગામી પેઢીના ઇંફ્રાસ્ટ્રક્ચર અને મલ્ડી મોડલ કનેક્ટિવિટીને આ રાષ્ટ્રીય યોજનાથી ગતિ મળશે. પીએમ મોદીએ કહ્યું કે આ યોજનાથી બધા પ્રોજેક્ટ હવે નિશ્ચિત સમય પર પુરા થશે અને ટેક્સનો એક પણ પૈસો બરબાદ નહીં થાય. પીએમ મોદીએ કોંગ્રેસ પર ટોણો મારતા કહ્યું કે આપણા દેશમાં મોટા ભાગે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિષય મોટા ભાગની રાજકીય પાર્ટીઓની પ્રાથમિક્તાથી દુર રહ્યો છે. આ પાર્ટીઓના ચૂંટણી ઢંઢેરામાં પણ આ વિષયનો કોઇ જ ઉલ્લેખ નથી જોવા મળતો.
મોદીએ કહ્યું કે હવે તો એવી સ્થિતિ આવી ગઇ છે કે કેટલાક રાજકીય પક્ષ દેશ માટે જરુરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પર ટીકા કરવામાં ગૌરવ મહેસુસ કરે છે. અગાઉની સરકારોમાં સરકારી અધિકારીઓ કાર્ય પ્રગતિ પર છેના બોર્ડ લગાવી દેતા હતા અને કામ લટકતુ જ રહેતુ હતું. આ બેદરકારીને કારણે પ્રોજેક્ટને પુરો થવામાં ઘણો સમય લાગી જતો હતો. સાથે જ પૈસાનો પણ દુરુપયોગ થતો હતો. પીએમ મોદીએ કહ્યું કે આજે ૨૧મી સદીનું ભારત સરકારી વ્યવસ્થાઓની જુની પુરાણી વિચારસરણીને પાછળ છોડીને આગળ વધી રહ્યું છે. આજનો મંત્ર છે પ્રગતિ માટે ઇચ્છા, પ્રગતિ માટે ધન, પ્રગતિની યોજના.
વડાપ્રધાને કહ્યું કે આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આપણે આગામી ૨૫ વર્ષના ભારતનો પાયો નાખી રહ્યા છીએ. પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન, ભારતના આ જ આત્મબળને, આત્મ વિશ્વાસને આત્મનિર્ભરતાના સંકલ્પ સુધી લઇ જશે. વિશ્વએ એ સ્વિકાર કર્યો છે કે સતત વિકાસ માટે ક્વોલિટી ઇંફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ એક એવો રસ્તો છે જે તેની આર્થિક ગતિવિધિને જન્મ આપે છે અને બહુ મોટા પાયે રોજગારનું નિર્માણ કરે છે.
ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન દેશની પોલિસી મેકિંગ સાથે જોડાયેલા દરેક સ્ટેકહોલ્ડર્સને, ઇન્વેસ્ટર્સને એક ડીસિઝન મેકિંગ ટૂલ પણ આપશે. જેનાથી સરકારોને પ્રભાવી પ્લાનિંગ અને પોલિસી બનાવવામાં મદદ મળશે. પીએમ મોદીએ કહ્યું કે ૨૦૧૪ અગાઉ પાંચ વર્ષમાં માત્ર ૩૦૦૦ કિમી રેલવેનું વિજળીકરણ થયું હતું. જ્યારે છેલ્લા સાત વર્ષોમાં અમે ૨૪ હજાર કિલોમીટરથી પણ વધુ રેલવે ટ્રેકનું વિજળીકરણ કર્યું છે. મોદીએ કહ્યું કે આધુનિક ઇંફ્રાસ્ટ્રક્ચર વગર આપણે જરુરી પરીણામ કે વિકાસને પ્રાપ્ત નહીં કરી શકીએ.