હરિયાણાના પશુ મેળામાં પાડાની કિંમત અધધ રૂ. 23 કરોડ
- 'અનમોલ' અને 'વિધાયક' ચર્ચાનું કેન્દ્ર
- 'અનમોલ' પાડો દિવસના રૂ.1,500ની કિંમતના કાજુ-બદામ ઝાપટી જાય છે
ચંડીગઢ : ટેક જાયન્ટ એપલનો આઈફોન ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ત્યારે, એક વ્યક્તિએ સોશિયલ મીડિયામાં 'આઈફોનની જગ્યાએ ગાય કેમ લેવી જોઈએ' વિષય પર પોસ્ટ કરી હતી. તેણે કહ્યું કે, રૂ. ૧.૫૦ લાખના આઈફોન કરતા તેટલી કિંમતની ગાય પરિવારનો સહારો બને છે. આ વચ્ચે 'અનમોલ' નામના પાડાએ રૂ. ૨૩ કરોડની કિંમત સાથે સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે.
સામાન્ય રીતે, પાડાની કિંમત રૂ. ૫૦ હજારથી ૧ લાખ સુધીની હોય છે. પરંતુ, અનમોલની કિંમત અનેક ગણી વધારે હોવાનું કારણ તેના માલિક પલવિંદર સિંહે જણાવતાકહ્યું કે,૮ વર્ષના અનમોલના ખોરાકમાં કાજુ, બદામ, છોલેનો સમાવેશ થાય છે. તેના ખોરાક પાછળ દૈનિક રૂ. ૧,૫૦૦નો ખર્ચ કરવામાં આવે છે.
અનમોલ સિવાય હરિયાણાના ખેડૂત નરેન્દ્ર સિંહના પાડા 'વિધાયક'ની કિંમત રૂપિયા ૨૦ કરોડ આંકવામાં આવી હતી. જ્યારે, તેમના બીજા પાડા ગોલુ-ટુ ની કિંમત રૂ. ૧૦ કરોડ લગાવવામાં આવી છે. નરેન્દ્ર સિંહે જણાવ્યું કે, બંને પાડાના વીર્યનું વેચાણ કરીને સારી કમાણી થઈ જાય છે.
મુરાહ બ્રીડની ભેંસોના પશુપાલન માટે ભારત સરકાર તરફથી મદદ મળે છે. ઉલ્લેખનીય છે કે, ડેરી પ્રોડક્ટની ડિમાન્ડના કારણે મુરાહ ભેંસોના દૂધની માંગ વધુ છે. ભારત, પાકિસ્તાન, ચીન, દક્ષિણ-પૂર્વ એશિયા, મિડલ-ઈસ્ટમાં પણ આ ભેંસો ડિમાન્ડમાં છે.