ભાજપના વોશિંગ મશીનનો પાવર : 371 કરોડની 'ચીટ' છતાં નાયડુ 'ક્લિન' !
- સ્કીલ ડેવલપમેન્ટ કોર્પો.ના કૌભાંડમાં ગયા વર્ષે જગને ચંદ્રાબાબુને જેલ ભેગા કરેલા
હૈદરાબાદ : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીના પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રૂ. ૩૭૧ કરોડના કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડમાં ક્લીનચીટ આપી દેતાં નાયડુને મોટી રાહત મળી છે. તેના કારણે એવી કોમેન્ટ્સ થઈ રહી છે કે, ભાજપના વોશિંગ મશીનમાં વધુ એક નેતાનાં પાપ ધોવાઈ ગયાં છે. ચંદ્રાબાબુ પણ ભાજપને ટેકો આપીને મિસ્ટર ક્લીન બની ગયા છે.
સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં થયેલા કથિત કૌભાંડને કારણે ગયા વર્ષે જગન મોહન રેડ્ડીની સરકારે નાયડુને જેલમાં ધકેલી દીધા હતા. જગનની સરકારે બનાવેલી સીઆઈડીની એસઆઈટીની તપાસના આધારે ચંદ્રાબાબુની ધરપકડ કરવામાં આવી હતી. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ જામીન મળતાં ચંદ્રાબાબુ જેલમાંથી બહાર આવ્યા હતા પણ એ પહેલાં નાયડુને ૫૦ દિવસથી વધુ જેલના સળિયા પાછળ વિતાવવા પડયા હતા. ચંદ્રાબાબુએ એ પછી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સાથે જોડાણ કર્યું ત્યારે જ કહેવાતું હતું કે, ચંદ્રાબાબુએ ઈડી સહિતની એજન્સીઓથી બચવા ભાજપ સરકારને શરણે જવાનું પસંદ કર્યું છે.
ઈડીની તપાસમાં બહાર આવ્યું છે કે ડિઝાઇનટેક સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ (ઘ્જીઁન્)ના મેનેજિંગ ડિરેક્ટર (સ્ઘ) વિકાસ વિનાયક ખાનવેલકર, સિમેન્સ ઈન્ડસ્ટ્રી સોફ્ટવેર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના ભૂતપૂર્વ સ્ઘ સૌમ્યાદ્રી શેખર બોઝ ઉર્ફે સુમન બોઝ અને તેમના નજીકના સહયોગીઓ, મુકુલ ચંદ્ર અગ્રવાલ અને સુરેશ ગોયલે સરકારી ભંડોળને ડાયવર્ટ કર્યું હતું. આ કંપનીઓએ બહુ-સ્તરીય વ્યવહારો દ્વારા શેલ અને નિષ્ક્રિય કંપની મદદ અને સામગ્રી અને સેવાઓના સપ્લાયના બહાના હેઠળ બોગસ ઇન્વૉઇસીસ બનાવીને ઉચાપત કરી હતી.
આ રકમ સગેવગે કરવા માટે એન્ટ્રી પાડી આપનારાંની મદદ લેવામાં આવી હતી અને તેમને કમિશન ચૂકવવામાં આવતું હતું. આરોપી વ્યક્તિઓ અને એન્ટ્રી પાડી નાંખનારાંએ કરેલી ગુનાની કાર્યવાહીની ઓળખ કરવામાં આવી હતી અને બેંક બેલેન્સ અને શેરના રૂપમાં વિવિધ જંગમ મિલકતો શોધી કાઢવામાં આવી હતી. દિલ્હી એનસીઆર, મુંબઈ અને પુણેમાં રહેણાંક મિલકતોના સ્વરૂપમાં સ્થાવર મિલકતો પણ શોધી કાઢવામાં આવી હતી અને એટેચ કરવામાં આવી હતી એવું ઈડીએ કહેલું પણ પછી ક્લીન ચીટ આપી દીધી.
નાયડુની સરકારે પોતાની જ કંપનીને નાણાં આપી દીધાં
ચંદ્રાબાબુ સામેના ભ્રષ્ટાચારના કેસમાં ઈડીએ ચાર્જશીટ પણ દાખલ કરી હતી. આ ચાર્જશીટ પ્રમાણે ચંદ્રાબાબુ નાયડુની સરકારે યુવાનોને સ્કીલ ડેવલપમેન્ટની તાલીમ આપવાના બહાને ૩૭૧ કરોડ રૂપિયા બારોબાર ઘરભેગા કરી દીધા હતા. સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ રકમ ચંદ્રાબાબુના મળતિયાઓની કંપનીઓને આપી દેવાઈ હતી.
ચાર્જશીટમાં ડિઝાઇનટેક સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડનો ઉલ્લેખ છે કે જે ચંદ્રાબાબુની જ કંપની હોવાનું કહેવાય છે. ઈડીએ આ કંપની તથા અને અન્ય લોકોની ૨૩.૫ કરોડની સંપત્તિ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ અસ્થાયી રૂપે જપ્ત કરી હતી.