Get The App

લોકસભામાં વિપક્ષ નેતાનું પદ અપશુકનિયાળ? 14માંથી 13 નેતા ન બની શક્યા દેશના વડાપ્રધાન

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
લોકસભામાં વિપક્ષ નેતાનું પદ અપશુકનિયાળ? 14માંથી 13 નેતા ન બની શક્યા દેશના વડાપ્રધાન 1 - image

Leader of Opposition in Lok Sabha: 10 વર્ષ બાદ લોકસભાને નવા વિપક્ષના નેતા મળ્યા છે. કોંગ્રેસે જવાબદારી પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સોંપી છે. રાહુલ ગાંધી અગાઉ તેમના માતા સોનિયા ગાંધી અને પિતા રાજીવ ગાંધી પણ લોકસભામાં વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. રાજીવ ગાંધી 1989 થી 1991 અને સોનિયા ગાંધી 1999 થી 2004 સુધી લોકસભામાં વિપક્ષના નેતા બન્યા હતા.

વિપક્ષ નેતા લોકસભામાં એક બંધારણીય પદ છે. જે વિપક્ષની સૌથી મોટી પાર્ટીના સંસદમાં નેતા હોય છે. જોકે તેના માટે સૌથી મોટી પાર્ટી પાસે લોકસભાની કુલ બેઠકોના દસ ટકા બેઠક હોવી જરૂરી છે. સામાન્ય રીતે વિપક્ષના નેતાને વડાપ્રધાન પદના દાવેદાર પણ માનવામાં આવે છે, પરંતુ ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી 14માંથી 13 નેતાઓ વિપક્ષ નેતા બન્યા પછી વડાપ્રધાન પદ સુધી પહોંચી શક્યા નથી. આટલું જ નહીં વિપક્ષ નેતા બનેલા ત્રણ નેતાઓની રાજકીય કારકિર્દી પણ ખતમ થઈ ગઈ હતી.

આ પણ વાંચો:- 105 વર્ષ જુના કાયદાથી લોકસભા બની, કઈ રીતે આવ્યું સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરનું પદ

આ પણ વાંચો:- ઓમ બિરલાએ કટોકટીની ટીકા કરી, વિપક્ષે હોબાળા બાદ સૂત્રોચ્ચાર કર્યા, લોકસભાની કાર્યવાહી સ્થગિત

લોકસભામાં વિપક્ષ નેતાનું પદ

લોકસભામાં વિપક્ષના નેતાના પદનો ઉલ્લેખ સંસદીય કાયદામાં છે. 1977માં પ્રથમ વખત જ્યારે જનતા પાર્ટીની સરકાર બની ત્યારે આ પદને પરિભાષિત કરવામાં આવ્યું હતું. ત્યાંરથી આ પદ બેઠેલા વ્યક્તિને ઘણી બધી શક્તિઓ આપવામાં આવી છે. લોકસભામાં વિપક્ષના નેતા જ જાહેર હિસાબ સમિતિના પ્રમુખ હોય છે. આ ઉપરાંત ઘણા બધા પદ પર થનાર નિયુક્તિઓમાં પણ વિપક્ષ નેતા મહત્વની ભૂમિકા ભજવે છે. વિપક્ષ નેતા સદનમાં વિપક્ષનો મુખ્ય અવાજ પણ માનવામાં આવે છે.

વિપક્ષના 13 નેતા વડાપ્રધાન ના બની શક્યા

કોંગ્રેસમાં બળવાને કારણે દેશમાં સૌપ્રથમ વખત 1969 માં વિપક્ષને વિપક્ષ નેતાની ખુરશી મળી હતી. કોંગ્રેસના જુના નેતાઓ 1969માં ઇન્દિરા ગાંધી વિરુદ્ધ મોરચો માડ્યો હતો, તેનું નેતૃત્વ કે. કામરાજ કરી રહ્યા હતા. આ જૂથનું નામ કોંગ્રેસ (ઓર્ગેનાઈઝેશન) રાખવામાં આવ્યું હતું. જ્યારે પાર્ટીના બે ફાડિયા થઈ ગયા ત્યારે સરકારે કોંગ્રેસ (ઓર્ગનાઇઝેશન)ને વિપક્ષ પદની માન્યતા આપવી પડી હતી. બિહારના બકસરના સાંસદ રામ સુભાગ સિંહ સંસદમાં નેતા વિપક્ષ બન્યા હતા. ત્યારથી અત્યાર સુધી 14 વખત વિપક્ષ નેતા લોકસભામાં બની ચૂક્યા છે. તેમાં લાલ કૃષ્ણ અડવાણીને ત્રણ વખત અને અટલબિહારી વાજપેયી અને યશવંતરાય ચવ્હાણને 2-2 વખત આ પદ મળ્યું હતું.

રાહુલ ગાંધી લોકસભામાં 15માં વિપક્ષ નેતા બન્યા છે. રસપ્રદ વાત તે છે કે અટલ બિહારી વાજપેયીને બાદ કરતાં કોઈપણ વિપક્ષ નેતા વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચી શક્યા નથી. વર્ષ 1996માં વિપક્ષનેતા રહેલા અટલબિહારી વાજપેયી દેશના વડાપ્રધાન બન્યા હતા. જોકે ઘણા વિપક્ષના નેતા વડાપ્રધાન પદના દાવેદાર જરૂર હતા.

1979માં જગ જીવન રામ, 2004માં સોનિયા ગાંધી, 2009માં લાલ કૃષ્ણ અડવાણી મોટા દાવેદાર હતા. આ ઉપરાંત વિપક્ષ નેતા રહેલા શરદ પવાર, સુષ્મા સ્વરાજ અને યશવંત રાવ ચૌહાણનું નામ પણ વડાપ્રધાન પદ માટે ચાલી રહ્યું હતું. 1996માં પીવી નરસિમ્હા રાવ વડાપ્રધાન પદ પરથી ઉતર્યા બાદ તેઓ વિપક્ષ વિપક્ષ નેતા બન્યા હતા પરંતુ આ પદ પર ફક્ત 15 દિવસ જ રહી શક્યા હતા.

ત્રણ નેતાઓની કારકિર્દી ખતમ, એકની હત્યા

લોકસભામાં એવા ત્રણ વિપક્ષના નેતા રહ્યા છે જેમણે આ પદ મેળવ્યા બાદ તેમનું રાજનીતિક કારકિર્દી ખતમ થઈ ગઈ હતી. તેમાં સૌથી પહેલું નામ રામ સભાગ સિંહનું છે. 1969થી 71 સુધી લોકસભાના વિપક્ષ નેતા રહેલા રામ સભાગ સિંહ ત્યારબાદ કોઈપણ મોટા પદ પર પહોંચી શક્યા નહોતા. 1971માં તેઓ સંસદની ચૂંટણી હારી ગયા હતા. 1971ની ચૂંટણીમાં કોંગ્રેસના અનંત શર્માએ રામ સુભાગને 30,000 મતથી હરાવ્યા હતા.

જગજીવન રામ સાથે પણ એવું જ થયું હતું. નેતા વિપક્ષ બન્યા બાદ તેઓ કોઇ પણ મોટા પદ પર પહોંચી શક્યા નહોતા.80ના દાયકામાં તેઓ વડાપ્રધાન પદના સૌથી મોટા દાવેદાર હતા. પીવી રાવ વડાપ્રધાન બન્યા બાદ નેતા વિપક્ષ નિયુક્ત થયા હતા પરંતુ તેમની રાજનીતિ પણ લાંબા સમય સુધી નહોતી ચાલી. નેતા વિપક્ષની ખુરશી પરથી ઉતર્યા બાદ રાજનીતિમાં સાઈડ લાઈન થતા ગયા હતા. 2004માં તેમણે ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી દીધી હતી પરંતુ બાદમાં તેઓએ વિચાર બદલી નાંખ્યો હતો. બીજી તરફ 1989થી 91 સુધી નેતા વિપક્ષ રહેલા રાજીવ ગાંધીની ચૂંટણી રેલી દરમિયાન તમિલનાડુમાં હત્યા કરાઈ હતી.

દક્ષિણ પાસે ફક્ત 468 દિવસ આ પદ રહ્યું

વિપક્ષ નેતાના પદ પર ઉત્તર ભારતીયનો દબદબો રહ્યો છે. રાહુલ ગાંધી સહિત અત્યાર સુધી 15 વિપક્ષના નેતા લોકસભામાં બન્યા છે. જેમાં ઉત્તર પ્રદેશથી પાંચ, મહારાષ્ટ્રથી ત્રણ, ગુજરાતથી બે અને બે બિહારના છે. દક્ષિણ ભારતના બે નેતાઓ પાસે આ પદ રહ્યું છે. કેરળના ઇડુક્કીથી સાંસદ સીએમ સ્ટીફન 1978થી 1979 સુધી એક વર્ષ 88 દિવસ માટે આ પદ ઉપર રહ્યા હતા. બીજી તરફ 1996માં પીવી નરસિંહા રાવ 15 દિવસ માટે વિપક્ષ નેતા બન્યા હતા. બંનેનો કુલ કાર્યકાળ 468 દિવસનો હતો.


Google NewsGoogle News