યુપીના આ ગામના લોકો દિવાળીએ મનાવે છે શોક, કારણ જાણીને ચોંકી જશો
લોકો એક ખાસ ઘટનાને યાદ રાખીને ઘરમાં દીપક પ્રગટાવતા નથી
દિવાળીનો દિવસ ગામ લોકો માટે એક સામાન્ય દિવસ જ હોય છે
નવી દિલ્હી, ૯ નવેમ્બર,૨૦૨૩,ગુરુવાર
દિવાળી ખૂશહાલી અને આનંદને પ્રગટ કરતો સૌથી મોટો તહેવાર છે. ભારતમાં સદીઓથી પરંપરાગત રીતે દિવાળી તથા તેની આસપાસના તહેવારોની ઉજવણી થાય છે. એવી વ્યાપક માન્યતા છે કે ભગવાન શ્રીરામ વનવાસ પુરો કરીને અયોધ્યા પાછા ફર્યા ત્યારે લોકોએ દિવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યુ હતું. આરોગ્યની દ્વષ્ટીએ રોગોની માતા ગણાતી શરદ ઋતુનો અંત આવે છે અને હેમંત ઋતુ શરુ થવાની સાથે જ હળવી ઠંડીની શરુઆત થાય છે.
મીઠાઇ, ફટાકડા અને પરસ્પર મિલનનું પ્રતિક ગણાતા દિવાળીમાં લોકો ખૂબજ આનંદિત રહે છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે ભારતમાં એક ગામ એવું છે જે દિવાળીના દિવસે શોક મનાવે છે.તેમના માટે દિવાળી આનંદનો નહી પરંતુ દુખ પ્રગટ કરવાનો દિવસ છે. આ ગામ ઉત્તરપ્રદેશ રાજયના મિરઝાપુર પાસે આવેલું અટારી ગામ છે. અટારી ગામનો સમાવેશ મિરઝાપુર જિલ્લાના મડિહાન તાલુકાનું ગામ છે.
અટારી ગામમાં ચૌહાણ સમુદાય સાથે સંબંધ ધરાવતા લોકો રહે છે. તેઓ પોતાને અંતિમ હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના વંશજ ગણાવે છે.ચૌહાણ સમાજના લોકોનું માનવું છે કે દિપાવલીના દિવસે જ મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણ સાથે વિશ્વાસઘાત અને કપટ કર્યુ હતું આથી પૃથ્વીરાજે પોતાનો જીવ ગુમાવવો પડયો હતો.
લોકો આ ઘટનાને યાદ રાખીને ઘરમાં દીપક પ્રગટાવતા નથી એટલે કે દિવાળી ઉજવતા નથી.ગામના વડિલોનું કહેવું છે કે અમારા પૂર્વજ દિવાળી ઉજવતા ન હતા એનું પાલન કરીને અમે પણ ઉજવતા નથી. દિવાળીનો દિવસ ગામ લોકો માટે એક સામાન્ય દિવસ જ હોય છે. જો કે ગામ લોકો દેવ દિવાળીની ઉજવણી કરે છે. દેવ દિવાળીએ દિવાઓ પ્રગટાવીને ગામને અજવાળાથી ભરી દે છે.