સંસદમાં ચર્ચા દરમિયાન આ સળગતો મુદ્દો ઉઠાવશે વિપક્ષ, સરકારે કહ્યું- જવાબ આપવા તૈયાર
Image: Facebook
NEET-UG Paper Leak Case: મેડીકલ કોલેજોમાં એડમિશન માટે લેવામાં આવતી નીટ-યુજી પરીક્ષા 2024માં પેપર લીક સહિત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને દેશભરમાં આક્રોશ છે. વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને સિસ્ટમ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ઘણી અરજીઓ પણ કરવામાં આવી છે. હવે નીટ પેપર લીકનો મામલો સંસદમાં પણ ગૂંજવાનો છે. શુક્રવારે કોંગ્રેસની અધ્યક્ષતામાં ઈન્ડિયા ગઠબંધન લોકસભા અને રાજ્યસભામાં નીટ વિવાદ પર સ્થગિત પ્રસ્તાવ લાવશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને થયેલી ઈન્ડિયા ગઠબંધન દળોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંસદનું સંયુક્ત સત્ર સંબોધિત કર્યું. શુક્રવારે રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે પરંતુ વિપક્ષનો હેતુ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા વચ્ચે સરકારને નીટ પેપર લીક મુદ્દે ઘેરવાનો છે. આ દરમિયાન સરકાર નીટ મામલે વિપક્ષના કોઈ પણ સવાલનો જવાબ આપવા માટે તૈયાર છે. ભલે આ ચર્ચા દરમિયાન ઉઠે.
સરકારી સૂત્રોના જણાવ્યાં અનુસાર કહ્યું કે નીટ મુદ્દે સીબીઆઈની તપાસથી લઈને સ્પેશ્યલ કમિટી બનાવવા સુધી દરેક શક્ય કાર્યવાહી કરવામાં આવી છે. કમિટીનો રિપોર્ટ ટૂંક સમયમાં આવવાની આશા છે. સાથે જ એન્ટી પેપર લીક કાયદો લાગુ થવાથી દોષીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાનું નક્કી થઈ ગયું છે. તેનાથી એક મજબૂત એજ્યુકેશન સિસ્ટમનો પાયો પણ નાખવામાં આવી શકશે.
NTAની ઓફિસમાં NSUIના કાર્યકર્તા ઘૂસ્યા
આ પહેલા નીટ પેપર લીકના વિરોધમાં NSUI કાર્યકર્તા NTAની ઓફિસમાં ઘૂસી ગયા છે. કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરતા NTAના ગેટ પર અંદરથી તાળું મારી દીધું.
CBI 6 રાજ્યોમાં તપાસ કરી રહી છે
નીટ પેપર લીક મામલે CBI બિહાર, ઝારખંડ અને ગુજરાત સહિત 6 રાજ્યોમાં તપાસ કરી રહી છે. ઝારખંડના હજારીબાગથી નીટ પેપર લીકનું કનેક્શન સામે આવ્યું છે. સીબીઆઈએ ગુજરાતના ગોધરામાં પણ તપાસ શરૂ કરી દીધી છે. સીબીઆઈએ ગુરુવારે બિહારની રાજધાની પટનાથી 2 આરોપીઓ મનીષ પ્રકાશ અને આશુતોષને અરેસ્ટ કર્યા છે. સીબીઆઈને શંકા છે કે અત્યાર સુધી પોલીસે જે લોકોની ધરપકડ કરી છે. તે લગભગ કોન્ટ્રાક્ટર છે. પેપર લીકનો માસ્ટરમાઈન્ડ કોઈ અન્ય છે.
અત્યાર સુધી કેટલી ધરપકડ થઈ
આ મામલે CBIએ 6 માંથી 5 રાજ્યોમાં કુલ 29 ધરપકડ કરી છે. બિહારના પટનાથી મનીષ પ્રકાશ અને આશુતોષની ધરપકડ કરવામાં આવી છે. માસ્ટરમાઈન્ડ સંજીવ મુખિયા ફરાર છે. ગુજરાતથી 5 ધરપકડ થઈ છે. મહારાષ્ટ્રના લાતૂરથી સંજય જાધવ અને જલીલ પઠાનની ધરપકડ કરવામાં આવી છે. ઝારખંડથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળથી એક આરોપીને પકડવામાં આવ્યો છે.