દેશનું એકમાત્ર મંદિર જેના કપાટ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા દિવસે નહીં ખૂલે
Image Source: Twitter
- આખા વર્ષમાં માત્ર એક જ વખત વિજયાદશમીના દિવસે આ મંદિરના કપાટ ખુલે છે
કાનપુર, તા. 31 ડિસેમ્બર 2023, રવિવાર
અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ કાર્યક્રમની પૂરજોશથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાના શ્રી રામ મંદિરમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે તમામ મંદિરોને શણગારવામાં આવશે પરંતુ કાનપુરમાં દેશનું એકમાત્ર એવું મંદિર છે કે જેના કપાટ પણ ખોલવામાં નહીં આવશે. દેશનું આ એકમાત્ર દશાનન મંદિર છે જે કાનપુર શહેરના શિવલા મોહલ્લામાં સ્થિત છે. આખા વર્ષમાં માત્ર એક જ વખત વિજયાદશમીના દિવસે આ મંદિરના કપાટ ખુલે છે. એવી માન્યતા છે કે બાકીના દિવસોમાં કપાટ ખોલવાથી અશુભ થઈ શકે છે. આ મંદિર સો વર્ષ કરતાં પણ વધુ જૂનું છે. વિજયાદશમીના દિવસે સવારે જ લોકો અહીં રાવણની પૂજા કરે છે. શક્તિના પ્રતીક તરીકે દશાનનની પૂજા કરવા માટે ભક્તો તેલના દીવા પ્રગટાવે છે. તેઓ માનતા પણ માને છે. આ પહેલા રાવણની મૂર્તિને શણગારવામાં આવે છે. આરતી થાય છે. સાંજે મંદિરના કપાટ ફરીથી આખા વર્ષ માટે બંધ કરી દેવામાં આવે છે.
દશાનન મંદિરના પૂજારી પ્રભાકર સિંહે જણાવ્યું હતું કે, અહીં રાવણની પૂજા શક્તિના રક્ષક તરીકે કરવામાં આવે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રાવણે દેવીની પણ આરાધના કરી હતી. દશાનનને દેવી માતાના પણ આશીર્વાદ મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે રાવણની પૂજાથી પ્રસન્ન થઈને દેવી છિન્નમસ્તિકાએ વરદાન આપ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે તેમની પૂજા ત્યારે જ સફળ થશે જ્યારે લોકો તમારી (રાવણ) પણ પૂજા કરશે.
દેવી છિન્નમસ્તિકા બાદ રાવણની પૂજા થાય છે
એવું કહેવાય છે કે, વર્ષ 1868માં તત્કાલીન રાજાએ દેવી છિન્નમસ્તિકાનું મંદિર બનાવ્યું હતું. રાવણની પાંચ ફૂટની મૂર્તિ રક્ષકના રૂપમાં બનાવવામાં આવી હતી. ત્યારબાદ વિજયાદશમીના દિવસે દેવી છિન્નમસ્તિકાની પૂજા કર્યા બાદ રાવણની પણ આરતી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, દશાનન પર તેલ અને પીળા ફૂલ ચઢાવવાથી ભક્તોના તમામ ગ્રહ દોષ દૂર થઈ જાય છે.
શું કહ્યું પૂજારીએ
દશાનન મંદિરના પૂજારી પ્રભાકર સિંહે કહ્યું કે, 22 જાન્યુઆરીના રોજ દશાનન મંદિરના કપાટ ખોલવાનો સવાલ જ નથી ઊભો થતો. પરંપરા પ્રમાણે દશાનન મંદિરના કપાટ માત્ર વિજયાદશમીના દિવસે જ ખોલવામાં આવે છે.