ભાજપના એકમાત્ર નેતા કે જે ચાર રાજ્યોમાંથી જીતીને સંસદમાં પહોંચેલા, ત્રણ વખત બન્યા હતા વડાપ્રધાન
ભારતમાં ઘણી વખત નેતાઓ એક કરતાં વધુ બેઠકો પરથી ચૂંટણી લડતા હોય છે
Lok Sabha Election 2024 : ભારતમાં ઘણી વખત નેતાઓ એક કરતાં વધુ બેઠકો પરથી ચૂંટણી લડતા હોય છે, તેની પાછળ ઘણા કારણો હોય છે. જો કે, ભારતમાં એક એવા પણ નેતા હતા જેઓ એક, બે નહીં પરંતુ ત્રણ જગ્યાએથી ચૂંટણી લડ્યા હતા, જેમાંથી બે જગ્યાએ કારમી હાર અને એક બેઠક પરથી વિજય થયો હતો. આ નેતા એટલે બીજું કોઈ નહીં પરંતુ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા.
ચાર રાજ્યોમાંથી સંસદમાં પહોંચનાર એકમાત્ર નેતા
ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એકમાત્ર એવા નેતા હતા કે જે ચાર રાજ્યોમાંથી ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા હતા. તેઓ ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ અને દિલ્હીથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. તેઓ 1957, 1967માં બલરામપુર, 1971માં ગ્વાલિયર, 1980માં નવી દિલ્હી, 1991માં વિદિશા, 1996માં ગાંધીનગર, 1991, 1996 અને 1998માં લખનઉથી ચૂંટણી જીત્યા હતા.
ત્રણ જગ્યાએથી ચૂંટણી લડ્યા,
જો કે, એક પ્રસંગ એવો આવ્યો જ્યારે અટલ બિહારી વાજપેયીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 1957ની વાત છે, અટલ બિહારી વાજપેયી ત્રણ બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા. લખનઉ, મથુરા અને બલરામપુર પરંતુ તેને બે બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. લખનઉમાં તેમને હાર સ્વીકારવી પડી હતી પરંતુ મથુરામાં તેમની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી તેમ છતાં તેઓ બલરામપુરથી જીત્યા હતા.
દેશના ત્રણ વખત વડાપ્રધાન બન્યા હતા
નોંધનીય છે કે અટલ બિહાર વાજપેયી ત્રણ વખત દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા હતા. તે સમયે, તેઓ પંડિત નેહરુ પછી એક માત્ર એવા નેતા હતા જેઓ સતત બે વખત વડાપ્રધાન બન્યા હતા. અટલ બિહારી 16 મે થી 1 જૂન 1996 સુધી, પછી 1998માં અને ત્યારબાદ ફરી એકવાર 19 માર્ચ 1999 થી 22 મે 2004 સુધી ભારતના વડાપ્રધાન બન્યા હતા.