Get The App

સાતમા તબક્કાના મતદાન સાથે આજે દોઢ મહિનો ચાલેલા ચૂંટણી જંગનો અંત

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
સાતમા તબક્કાના મતદાન સાથે આજે દોઢ મહિનો ચાલેલા ચૂંટણી જંગનો અંત 1 - image


- 57 બેઠકો પર 904 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

- નરેન્દ્ર મોદી, અનુરાગ ઠાકુર, કંગના રણૌત, મિસા ભારતી, મમતાના ભત્રીજા અભિષેકનું ભાવિ સીલ થશે

- 10.06 કરોડ લોકો મતદાન કરશે સાંજે સાડા છ પછી એક્ઝિટ પોલનો પ્રારંભ 

વારાણસી-ચંદીગઢ : લોકસભા ચૂંટણીમાં સાતમાં અને અંતિમ તબક્કામાં કુલ ૫૭ બેઠકોના મતદાન સાથે દોઢ મહિના સુધી ચાલેલો ચૂંટણીજંગ પૂરો થશે. આ ૫૭ બેઠકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની  વારાણસી બેઠકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ બેઠકમાં અનુરાગ ઠાકુર, કંગના રણૌત, લાલુપુત્રી મિસા ભારતી, મમતાના ભત્રીજા અભિષેકનું ભાવિ પણ સીલ થશે. આ મતદાનમાં ૫.૨૪ કરોડ અને ૪.૮૨ કરોડ મહિલા મતદારો સાથે કુલ ૧૦.૦૬ કરોડ લોકો મતદાન કરશે. દેશના કુલ ૧.૦૯ લાખ મતદાન મથકો પર મતદાન થશે. 

કુલ ૫૭ બેઠકોની ચૂંટણીમાં પંજાબની ૧૩ બેઠક, હિમાચલ પ્રદેશની ચાર બેઠક, ઉત્તરપ્રદેશના ૧૩ મતવિસ્તાર, પશ્ચિમ બંગાળના નવ મતવિસ્તાર, બિહારના આઠ, ઓડિશાના છ અને ઝારખંડની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે. આ સિવાય ચંદીગઢની એક બેઠકનો સમાવેશ થાય છે. શનિવારનું મતદાન પૂરું થવાની સાથે જ ૨૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મતદાનનો અંત આવશે. 

આ ઉપરાંત ઓડિશાની બાકીની ૪૨ બેઠકોની વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. તેની સાથે આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અને સિક્કીમની વિધાનસભા ચૂંટણી પણ થશે. ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ ન્યૂઝ ચેનલો અને ન્યુઝ આઉટલેટ્સ પહેલી જુનના રોજ સાંજના સાડા છ પછી એક્ઝિટ પોલ ચલાવી શકશે. 

વારાણસીમાં પીએમ મોદી સામે લડનારા ઉમેદવારોમાં કોંગ્રેસના અજય રાય, બીએસપીના એથર જમાલ લારી, યુગ થુલાસી પાર્ટીના કોલીસેટ્ટી શિવકુમાર, અપનાદળ (કમેરાવાડી)ના ગગનપ્રકાશ યાદવ, સ્વતંત્ર ઉમેદવાર દિનેશકુમાર યાદવ અને સંજય કુમાર તિવારી મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત ચંદૌલી, મહારાજગંજ અને મિરઝાપુર ખાતે  કેન્દ્રીય પ્રધાનો મહેન્દ્રનાથ પાંડે, પંકજ ચૌધરી અને અનુપ્રિયા પટેલનું ભાવિ પણ ઈવીએમમાં સીલ થશે. 

ઉત્તરપ્રદેશમાં મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા બંસગાંવ, ઘોસી, સાલેમપુર, બલિયા, ગાઝીપુર, ચંદૌલી, વારાણસી, મિરઝાપુર, રોબર્ટ્સગંજ એમ ૧૧ જિલ્લામાં આવેલી ૧૩ બેઠકો પર મતદાન થશે. વડાપ્રધાન મોદી સળંગ ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડશે. આ ઉપરાંત ભૂતપૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખર પણ ચૂંટણી લડી રહ્યા છે. 


Google NewsGoogle News