માલિકોનો એનપીએસ ફાળો 10 ટકાથી વધારી 14 ટકા કરાયો

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
માલિકોનો એનપીએસ ફાળો 10 ટકાથી વધારી 14 ટકા  કરાયો 1 - image


- સરકાર બાદ ખાનગી ક્ષેત્ર માટે પણ નિયમ અમલી

- કર્મચારીના બેઝિક પગારના ફાળાના 12 ટકામાં બે ટકા બચાવવા જનારા કંપની માલિકો બજેટના ફેરફારથી ભરાયા

- માબાપ સંતાનના નામે ગાર્ડિયન તરીકે એનપીએસ વાત્સલ્ય એકાઉન્ટ ખોલાવી શકશે

નવી દિલ્હી : બજેટ ૨૦૨૪માં એમ્પ્લોયરનું નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)માં પ્રદાન ૧૦ ટકાથી વધારીને ૧૪ ટકા કરવામાં આવ્યું છે. આ કપાત કર્મચારીના બેઝિક સેલેરીના ૧૦ ટકાથી વધારીને ૧૪ ટકા કરવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો કર્મચારીઓનું એકાઉન્ટ એનપીએસમાં ખોલાવનારા માલિકોએ હવે તેની બેઝિક સેલેરીના દસ ટકાના બદલે ૧૪ ટકા એનપીએસમાં જમા કરાવવા પડશે. 

સરકારે તેના લગભગ મોટાભાગના સરકારી વિભાગો અને જાહેર સાહસોને એનપીએસનો વિકલ્પ સ્વીકારવાની ફરજ પાડી છે અને તેમા પહેલેથી જ કર્મચારીના બેઝિક પગારનો ૧૪ ટકા હિસ્સો ચૂકવવામાં આવે છે. તેથી તેઓને આમાંથી કોઈ ફેર પડવાનો નથી. પણ સરકારે આ વખતે કરેલી જાહેરાતના લીધે હવે સરકારી એકમો સિવાયના જે પણ અન્ય એકમોએ એનપીએસનો વિકલ્પ સ્વીકાર્યો હશે તો તેણે એનપીએસમાં કર્મચારીના બેઝિક પગારનો ૧૪ ટકા ફાળો આપવો પડશે. 

હવે આના લીધે બનશે એમ કે પીએફમાં કર્મચારીના બેઝિક પગારનો ૧૨ ટકા ફાળાની તુલનાએ એનપીએસમાં દસ ટકા ફાળાના લીધે એનપીએસનો વિકલ્પ સ્વીકારનારા માલિકોએ હવે ૧૪ ટકા ફાળો આપવાનો આવ્યો છે. આમ એક સમયે બે ટકાના ફેરના લીધે એનપીએસને પસંદ કરનારા માલિકોએ ઉપરથી વધારાના બે ટકા ભરવાના આવ્યા છે. બદલાયેલા સંજોગોના લીધે માલિકો હવે કદાચ  નવા કર્મચારીઓને એનપીએસનો વિકલ્પ ઓફર ન કરે, પરંતુ હાલમાં તો જે કર્મચારીઓ છે તેને એનપીએસમાં જારી રાખવા પડે તેમ છે. 

અહીં તે વાત ઉલ્લેખનીય છે કે આ વિકલ્પ એનપીએસનો વિકલ્પ પસંદ કરનારા માલિકોને જ લાગુ પડશે. જ્યારે ઇપીએફઓમાં એટલે કે પીએફનો વિકલ્પ પસંદ કરનારા માલિકોને આની સાથે કોઈ સંબંધ નથી. જો કે ઘણી બધી બાબતોને લઈને સ્પષ્ટતાના અભાવે ખાનગી ક્ષેત્રની ઘણી કંપનીઓએ એનપીએસનો વિકલ્પ સ્વીકાર્યો નથી અને પીએફને જ અપનાવ્યો છે. જ્યારે સરકાર વર્કફોર્સની લાંબા ગાળાની આર્થિક સુરક્ષાને ધ્યાનમાં રાખવાના હેતુથી એનપીએસને પ્રમોટ કરી રહી છે. 

નિર્મલા સીતારામને આ ઉપરાંત બજેટમાં એનપીએસ વાત્સલ્ય નામની યોજના પણ શરુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમા માતાપિતા સગીર બાળકના વાલી બનીને તેમા રકમ જમા કરે. આ બાળક પછી જ્યારે મોટું થાય ત્યારે પછી તે સામાન્ય એનપીએસ એકાઉન્ટમાં પરિવર્તીત થઈ જશે. આમ એનપીએસને સર્વગ્રાહી સામાજિક સુરક્ષા વ્યવસ્થા તરીકે વિકસાવવા સરકાર પ્રતિબદ્ધ છે. 

એનપીએસમાં જોગવાઈ સરકારે ૧૦ ટકાથી વધારીને ૧૪ ટકા કરી તે અંગે સમજાવતા બીડીઓ ઇન્ડિયાની પાર્ટનર (ગ્લોબલ એમ્પ્લોયી સર્વિસિઝ, ટેક્સ એન્ડ રેગ્યુલેટરી સર્વિસીઝ)ના પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે બેઝિક સેલેરીના ચાર ટકાની વધુ કપાત મળશે. તેમણે ઉદાહરણ આપતા સમજાવ્યું હતું કે મૂળ વેતન સાથે મોંઘવારી ભથ્થું રુ. ઍક લાખ મળતું હોય તો હવે તે પ્રતિ માસ રુ.૪,૦૦૦ની વધુ કપાત મેળવવાને પાત્ર બનશે. આમ તે વર્ષે એનપીએસમાં રુ. ૪૮,૦૦૦ વધુ ફાળો આપીને રુ. ૧૪,૯૭૬નો ટેક્સ બચાવી શકે છે.


Google NewsGoogle News