કોંગ્રેસ સરકારમાં બનેલા નવા 9 જિલ્લાઓ રદ કરાયા, ભજનલાલ સરકારનો મોટો આદેશ
Image: Facebook
Bhajan Lal Sharma Government: રાજસ્થાનની ભજનલાલ સરકારે ગત અશોક ગેહલોત સરકાર દરમિયાન જાહેર કરાયેલા 9 નવા જિલ્લાને રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ સાથે જ ત્રણેય નવા વિભાગ પણ રદ કરી દેવાયા છે. રાજસ્થાન સરકારે જે 9 જિલ્લાને રદ કરી દીધા છે, તેમાં દૂદૂ, કેકડી, શાહપુરા, નીમકાથાના, ગંગાપુરસિટી, જયપુર ગ્રામીણ, જોધપુર ગ્રામીણ, અનૂપગઢ, સાંચોર જિલ્લા સામેલ છે. હવે રાજસ્થાનમાં 7 વિભાગ અને 41 જિલ્લા રહેશે.
સીએમ ભજનલાલ શર્માએ આજે કેબિનેટની બેઠક બોલાવી. જેમાં ગત કોંગ્રેસ સરકારથી જોડાયેલા નિર્ણય પર અમલ કરવામાં આવ્યો. ગત ગેહલોત સરકારે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા 17 નવા જિલ્લા અને 3 વિભાગ બનાવ્યા હતા. જેમાં 9 નવા જિલ્લા ખતમ કરી દેવાયા છે અને ત્રણેય નવા વિભાગને પણ રદ કરી દેવાયા છે. આ 17 નવા જિલ્લામાં હવે 8 જિલ્લા જ રહેશે. જેમાં બાલોતરા, વ્યાવર, ડીગ, ડીડવાના-કુચામન, કોટપૂતલી-બહરોડ, ખૈરથલ-તિજારા, ફલૌદી અને સલૂમ્બર સામેલ છે.
આ 3 વિભાગ રદ કરવામાં આવ્યા
- સીકર
- પાલી
- બાંસવાડા
આ પણ વાંચો: સૈનિક સ્કૂલોની પ્રવેશ પરીક્ષા માટે અરજી શરુ, તમારા બાળકનું સપનું પણ સાકાર થઈ શકે છે
કમિટીના રિપોર્ટ બાદ લીધો નિર્ણય
કેબિનેટની બેઠક બાદ મંત્રી જોગારામ પટેલે કહ્યું કે 'કોંગ્રેસ સરકાર દ્વારા પરીક્ષણ કર્યા વિના નવા જિલ્લા બનાવવામાં આવ્યા હતા, જેની જરૂર નહોતી અને સરકાર પર વધુ નાણાકીય બોજ આવી રહ્યો હતો, જે માટે ભજનલાલ સરકારે નવા જિલ્લાની જરૂર છે કે નહીં, આ પરીક્ષણ કરાવવા માટે રિટાયર્ડ IAS અધિકારી લલિત કે. પંવારની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી હતી. આ કમિટીના રિપોર્ટના આધારે આ 9 જિલ્લા અને ત્રણ વિભાગ રદ કરવામાં આવ્યા છે. ભજનલાલ સરકાર તરફથી રદ કરવામાં આવેલા જિલ્લામાં કોંગ્રેસે કાલથી જ જન આંદોલન શરુ કરવાની ચેતવણી આપી છે.
સમાન પાત્રતા પરીક્ષા હવે ત્રણ વર્ષ માટે માન્ય
આ સિવાય રાજસ્થાન કેબિનેટમાં વધુ એક મોટો નિર્ણય લીધો છે કે સમાન પાત્રતા પરીક્ષા હવે ત્રણ વર્ષ માટે માન્ય થશે. એક વખત કોઈ વિદ્યાર્થી આ પરીક્ષા પાસ કરી લે છે તો પછી 3 વર્ષ સુધી તેને ફરીથી પરીક્ષામાં બેસવાની જરૂર પડશે નહીં. આ સિવાય ખાદ્ય સુરક્ષા માટે કેવાયસીની ડેડલાઇન પણ 31 ડિસેમ્બર સુધી હતી, જેને હટાવવામાં આવી છે.