મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટીએ ઈતિહાસ રચ્યો, પૂર્વોત્તરની પ્રથમ રાષ્ટ્રીય પાર્ટી બની

- 60 સભ્યોની વિધાનસભામાં 20 ધારાસભ્યો સાથે NPP મેઘાલયની સૌથી મોટી પાર્ટી

- ચૂંટણી પંચે NPPને આઠમી રાષ્ટ્રીય પાર્ટી તરીકે માન્યતા આપી

Updated: Jun 9th, 2019


Google NewsGoogle News
મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટીએ ઈતિહાસ રચ્યો, પૂર્વોત્તરની પ્રથમ રાષ્ટ્રીય પાર્ટી બની 1 - image


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.8 જૂન, 2019, શનિવાર

ચૂંટણી પંચે નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ને આઠમી રાષ્ટ્રીય પાર્ટી તરીકે માન્યતા આપી છે અને આ સાથે જ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત પૂર્વોત્તરની કોઈ સ્થાનિક પાર્ટીને આ દરજ્જો મળ્યો છે.

એનપીપીએ મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ અને તાજેતરમાં જ અરુણાચલ પ્રદેશમાં રાજ્ય પાર્ટી તરીકે માન્યતા પ્રાપ્ત કરીને રાષ્ટ્રીય પાર્ટી તરીકેના આવશ્યક માપદંડો પૂરા કર્યા હતા. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની અધ્યક્ષતાવાળી એનપીપી કેન્દ્રમાં સત્તારુઢ એનડીએનું સહયોગી દળ છે.

નેશનલ પીપલ્સ પાર્ટીને પુસ્તકનું નિશાન આપવામાં આવેલું છે. ચૂંટણી પંચે સાત જૂનના રોજ એનપીપીને રાષ્ટ્રીય પાર્ટી જાહેર કરવાના આદેશમાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં એનપીપીના પ્રદર્શનની સમીક્ષામાં તેણે કુલ મતના ૧૪.૫૫ ટકા મત જીત્યા હોવાનું અને અરુણાચલ પ્રદેશની ૬૦ વિધાનસભા બેઠકોમાં પોતાના પાંચ ધારાસભ્યો મોકલ્યા હોવાનું સાબિત થાય છે. 

મેઘાલય, મણિપુર અને નાગાલેન્ડની ૬૦ સભ્યો ધરાવતી વિધાનસભાઓમાં અનુક્રમે તેના ૨૦, ચાર અને ત્રણ ધારાસભ્યો છે અને આ સાથે જ તે મેઘાલયની સૌથી મોટી પાર્ટી જાહેર થાય છે. લોકસભાના પૂર્વ અધ્યક્ષ અને મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી પીએ સંગમાએ નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી બરતરફ કરાયા બાદ ૨૦૧૩માં એનપીપીની સ્થાપના કરી હતી.

કોનરાડ સંગમાએ ટ્વિટ કરીને આ અંગે ખુશી વ્યક્ત કરી હતી અને પીએ સંગમા દ્વારા સ્થાપિત પાર્ટીને રાષ્ટ્રીય દળનો દરજ્જો મળ્યો તેને ભાવુકતાપૂર્ણ ક્ષણ ગણાવી હતી. તેમણે આ ઘટનાને ફક્ત એનપીપી જ નહીં પરંતુ સમગ્ર પૂર્વોત્તર માટે ઉપલબ્ધિ સમાન ગણાવી હતી.


Google NewsGoogle News