દુનિયાનું સૌથી મોંઘુ કબૂતર, કિંમત છે અધધ...... 14 કરોડ રુપિયા!
નવી દિલ્હી, તા. 17 નવેમ્બર 2020, મંગળવાર
દુનિયા આખી જાણે છે કે એક સમય હતો કે જ્યારે કબૂતર પોસ્ટમેનનું કામ કરતા હતા. વર્તમાન સમયે તો કબૂતરો પાસે આવું કામ કરાવવામાં આવતું નથી. અત્યારે તો આ કબૂતરો શહેરની ઉંચી ઇમારતોમાં ગૂટર ગૂ કરે છે. ત્યારે તમને ખબર છે કે આ કબૂતરોની કિંમત શું હોય છે? ગાડીઓની કિંમત તો લાખો અને કરોડોમાં હોય છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે કબૂતરોની કિંમત પણ કરોડોમાં હોય છે. તમે કદાચ વિચાર્યુ પણ નહીં હોય કે પક્ષીઓની કિંમત પણ કરોડોમાં હોય છે.
બેલ્જિયમમાં એક નિલામી થઇ જેમાં એક માદા કબૂતરને 14 કરોડ કરતા પણ વધારે કિંમતમાં ખરીદવામાં આવ્યું છે. આ એક રેકોર્ડ છે. બેલ્જિયમની આ બે વર્ષની માદાનું નામ ન્યૂ કિમ છે, જેને 19 લાખ ડોલર (14 કરોડ 15 લાખ રુપિયા)માં ખરીદવામાં આવ્યું છે. આ રેસર કબૂતરને પાળનાર કુર્ત વાઉવર અને તેમનો પરિવાર આ ખબર સાંભળીને હેરાન છે.
ન્યૂ કિમે વર્ષ 2018માં અનેક સ્પર્ધાઓ જીતી છે, જેમાં નેશનલ મિડલ ડિસ્ટેન્સ રેસ પણ સામેલ છે. ત્યારબાદ તે રિટાયર થઇ ગઇ. રેસિંગ કબૂતર દસ વર્ષની ઉંમર સુધી ઇંડા મુકી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ન્યૂ કિમને તેના નવા માલિક પ્રજનન માટે ઉપયોગ કરશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ચીનમાં કબૂતરોની રેસ ઘણી પ્રસિદ્ધ બની છે.