મોદી સરકારે એવો નિર્ણય લીધો કે જેની રાહુલ ગાંધીને પણ પ્રશંસા કરવી પડી છે

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
મોદી સરકારે એવો નિર્ણય લીધો કે જેની રાહુલ ગાંધીને પણ પ્રશંસા કરવી પડી છે 1 - image


- રેલવે અને સરકારે મારા કુલી ભાઈઓનો અવાજ સાંભળ્યો છે

- દરેક રેલવે સ્ટેશન ઉપર કામ કરનાર કુલીઓના મજૂરી દર વધારી દીધા : 7 વર્ષે આ ફેરફાર કરાયો : રાહુલ ખુશ થયા

- કુલીનું લાલશર્ટ પહેરી ડાબા હાથે કુલીનો બીલ્લો બંધાવતા રાહુલજીનો ફોટો અવશ્ય લેવો જોઈએ

નવીદિલ્હી : રાષ્ટ્રનાં પાટનગર દિલ્હી સહિત દેશનાં તમામ રેલવે સ્ટેશનો ઉપર કામ કરતા કુલીઓના મજૂરી દર વધારવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર અને રેલવેએ કુલીઓનાં મહેનતાણાંમાં સીધો ૪૦ ટકાનો વધારો જાહેર કર્યો છે. તેથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સાંસદ રાહુલ ગાંધીએ ખુશી જાહેર કરી છે. તેઓએ એક પોસ્ટ શેર કરતાં લખ્યું : ''તે જાણીને આનંદ થયો છે, ભારતીય રેલવેએ અને સરકારે મારા કુલી ભાઈઓનો અવાજ સાંભળ્યો છે.''

ઉત્તર રેલવેએ ૨૬ સપ્ટેમ્બરે એક આદેશમાં પોતાના ઝોનનાં દરેક સ્ટેશનો પર કામ કરતા કુલીઓના મજૂરી દર વધારી દીધા છે. તે પછી રાહુલે આ ટિપ્પણી કરી હતી. આ સુધારેલા દરો પ્રમાણે લોકોને એ કલાસ સ્ટેશનો ઉપર ૨૦ મિનિટની યાત્રા માટે ૪૦ કિ.ગ્રા. સામાન લઈ જવા માટે ૧૦૦ રૂપિયાને બદલે હવે ૧૪૦ રૂપિયા આપવા પડશે. જ્યારે 'બી' કલાસમાં સ્ટેશનોએ ૨૦ મિનિટના ૪૦ કિ.ગ્રા. સુધીના સામાન માટે ૧૦૦ રૃા. આપવાના રહેશે.

રેલવે મંત્રાલયે ૭ વર્ષ સુધી આ નિર્ણય લીધો છે. તે પ્રમાણે દેશનાં દરેક સ્ટેશનોએ આ દર લાગુ પડશે.

તે સર્વવિદિત છે કે રાહુલ ગાંધી ૨૧ સપ્ટેમ્બરે નવા દિલ્હીનાં આનંદ વિહાર રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. ત્યાં કુલીઓ સાથે વાતચીત કરી હતી, તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. તે પછી એક વિડીયો શેર કર્યો જેમાં કુલીઓનાં વેતનમાં ફેરફાર કરવાની, તેમને માટે વીમા અને પેન્શન માટે પણ માગણી કરતા તેઓ જોવા મળે છે.

આ સાથે વિશ્લેષકો કહે છે કે જેને જે ટીકા કરવી હોય તે કરે પરંતુ પ્રશ્ન તે છે કે દેશમાં ૧૮૫૪માં સૌથી પહેલી મુંબઈ વીટીથી થાણા સુધીની રેલવે શરૂ થઈ ત્યારથી આજ સુધી એક પણ વરિષ્ઠ નેતાને રેલ્વેના કુલીઓ માટે રજુઆત કરી હોય તે જાણવા મળ્યું નથી. રેલવે કર્મચારી સંઘના નેતાઓએ પણ હજી સુધીમાં જેમની સાથે તેમનો રોજેરોજનો સંપર્ક છે, તેમાં રેલવે મજૂરો કે મજૂરણો જ્યારે મજૂરીના દર વધારવા કે તેમના વીમા માટે કે પેન્શન માટે રજૂઆત કરી હોય તેવું જાણવા મળ્યું નથી. ત્યારે રાહુલ ગાંધીએ કરેલી આ રજૂઆત કોંગ્રેસની આધારશિલા સમાન સમાજવાદી-સમાજ રચનાનાં સિદ્ધાંતને પ્રતિબિંબિત કરે છે તે નિર્વિવાદ છે.


Google NewsGoogle News