લગ્ન માત્ર એક વર્ષ જ ટક્યા પરંતુ છૂટાછેડાનો વિવાદ 30 વર્ષ સુધી ચાલ્યો !

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
લગ્ન માત્ર એક વર્ષ જ ટક્યા પરંતુ છૂટાછેડાનો વિવાદ 30 વર્ષ સુધી ચાલ્યો ! 1 - image


- 1991માં લગ્ન બાદ 1992માં પતિએ બાળક-પત્નીને છોડી દીધા

- ફેમેલી કોર્ટના ત્રણ, હાઇકોર્ટના ત્રણ ચુકાદા બાદ અંતે સુપ્રીમે ન્યાય કર્યો, પત્નીને ઘર અને 30 લાખ આપવા પતિને આદેશ

નવી દિલ્હી : પતિ અને પત્ની વચ્ચે ૩૦ વર્ષથી છૂટાછેડા અને ભરણપોષણનો મામલો ચાલી રહ્યો હતો જે અંતે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે લગ્નના થોડા જ સમય બાદ પત્ની અને બાળકને તરથોડી દેનારા પતિનો ઉધડો લીધો હતો. સાથે જ પત્નીને કુલ ૩૦ લાખ રૂપિયા ચુકવવા પતિને આદેશ આપ્યો હતો. ઉપરાંત નોંધ્યંુ હતું કે બાળકના જન્મ બાદ તેના શિક્ષણ કે અન્ય કોઇ પણ ઉછેર પર પિતાએ કોઇ જ ધ્યાન નથી આપ્યું.   

બેંગલુરુમાં એક કપલે ૧૯૯૧માં લગ્ન કર્યા  જેના એક વર્ષ બાદ બાળકનો જન્મ થયા પછી ૧૯૯૨ની આસપાસ પતિ અલગ થઇ ગયો અને બાદમાં બેંગલુરુની ફેમેલી કોર્ટમાં પત્ની પર જ ક્રૂરતાનો આરોપ લગાવી છૂટાછેડાની અરજી કરી. ફેમેલી કોર્ટે છૂટાછેડાને માન્ય રાખ્યા. બાદમાં પત્ની દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરાઇ હતી. હાઇકોર્ટે ફેમેલી કોર્ટને પત્નીની અપીલ પર ફરી વિચારણા કરવા કહ્યું, જે બાદ ફેમેલી કોર્ટે છૂટાછેડાને લગ્ન ટુટી ગયાના આધારે માન્ય રાખ્યા. બાદમાં ફરી પત્ની દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરાઇ, ફરી હાઇકોર્ટે ફેમેલી કોર્ટના નિર્ણયને રદ કરી ફરી વિચારણા કરવા કહ્યું, ફેમેલી કોર્ટે ફરી એક વખત છૂટાછેડા માન્ય રાખ્યા સાથે ૨૫ લાખની એક રકમ નક્કી કરી જે પતિએ પત્નીને આપવાની હતી. બાદમાં ફરી એક વખત પત્ની હાઇકોર્ટ પહોંચી, હાઇકોર્ટે ફેમેલી કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો અને રકમ ૨૫ લાખથી ઘટાડીને ૨૦ લાખ કરી આપી.

રકમ ઘટાડવાના હાઇકોર્ટના નિર્ણય સામે પત્ની દ્વારા સુપ્રીમમાં અપીલ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે ન્યાયીક પદ્ધતિએ મહિલાની સાથે અન્યાય કર્યો છે. પિતાએ બાળક પ્રત્યે કોઇ જ ધ્યાન ન આપ્યું અને હવે તે પુખ્ત વયનું થઇ ગયું છે. તેના શિક્ષણની ફી ભરવાથી લઇને ઉછેરમાં પણ કોઇ જ ધ્યાન ના આપ્યું. લગ્ન તોડવા માટે પણ તે જ જવાબદાર છે તો તેને બ્રેકડાઉનનો લાભ કેવી રીતે મળી શકે? સુપ્રીમ કોર્ટે ભરણપોષણની રકમ ૧૦ લાખ રૂપિયા વધારી આપી સાથે જ હાલ બાળક અને પત્ની જે ઘરમાં રહે છે તેમાં કોઇ જ દખલ ના દેવા પતિને આદેશ આપ્યો હતો. જોકે છૂટાછેડાને માન્ય રાખવાના ફેમેલી કોર્ટના નિર્ણયમાં કોઇ દખલ ના આપી. આમ આ લગ્ન માત્ર એક જ વર્ષ ટક્યા પણ છૂટાછેડાનો વિવાદ ૩૦ વર્ષ સુધી ચાલ્યો.


Google NewsGoogle News