Get The App

2024ના વર્ષની ફોટોગેલરીના અનેક રંગો .

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
2024ના વર્ષની ફોટોગેલરીના અનેક રંગો                             . 1 - image


- 2024નું વર્ષ અનેક દેશોની ચૂંટણીઓ અને યુદ્ધોના નામે રહ્યું. કેટલાય દેશોમાં નવી સરકારો બની, કેટલાક દેશોમાં સત્તાપરિવર્તન થયું, ક્યાંક બળવો થયો, ક્યાંક વર્ષોથી ખુરશી પર ચિપકી રહેલા નેતાઓએ નાસી જવું પડયું. ક્યાંક યુદ્ધોના કારણે લોકો વર્ષભર રઝળ્યા. એવી તમામ નિશાનીઓ અહીં ઝીલાઈ છે. આ તસવીરોમાં 2024ના વર્ષના અનેક રંગો જોવા મળશે...

- ગુડબાય ઓફ-બીટ વિશેષ પૂર્તિ - હર્ષ મેસવાણિયા

અવધપુરી સમ પ્રિય નહિં સોઉ, યહ પ્રસંગ જાનઈ કોઉ કોઉ

રામ ચરિત માનસમાં અયોધ્યાની કલ્પના વૈકુંઠથી પણ સુંદર નગરીના સ્વરૂપમાં કરવામાં આવી છે. રામાયણમાં સ્વયં ભગવાન રામ અયોધ્યાનો મહિમા કરતા કહે છે કે ભલે બધા વૈકુંઠના વખાણ કરતા હોય અને વૈકુંઠ વેદ-પુરાણમાં જાણીતું છે. પરંતુ મને તો અયોધ્યા સમાન કોઈ પ્રિય નથી અને આ વાત ઘણાં ઓછા જાણે છે. એવી અયોધ્યા નગરીની આ તસવીર છે. અયોધ્યામાં ૨૨મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ પછી પહેલી દિવાળી ઉજવાઈ હતી. દિવાળી ભગવાન રામ સાથે જોડાયેલો તહેવાર છે. ભગવાન રામ વનવાસમાંથી અયોધ્યા પાછા ફર્યા ત્યારે જે ઉજવણી થઈ એ પછી દર વર્ષે દિવાળીના સ્વરૂપમાં ઉજવાય છે. જન્મસ્થળે સદીઓ બાદ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. યાને શ્રીરામ અયોધ્યા આવ્યા એ પછી ઉજવાયેલી દિવાળીમાં નવો રેકોર્ડ તૂટયો. આખી અયોધ્યાપુરી ૨૫,૧૨,૫૮૫ દીવડાંથી શણગારવામાં આવી હતી. એનો ગિનેસ બુકમાં રેકોર્ડ નોંધાયો હતો. સરયૂ નદીના ૫૪ ઘાટમાં આ શણગાર થયો હતો અને ૩૦ હજારથી વધુ સ્વયં સેવકોએ એમાં સેવા આપી હતી. પ્રાણ પ્રતિષ્ઠા પછીની દિવાળીના દિવસે ૧૧ હજાર લોકોએ સરયૂ નદીના કાંઠે વિશેષ આરતીમાં ભાગ લીધો હતો.

2024ના વર્ષની ફોટોગેલરીના અનેક રંગો                             . 2 - image

અમેરિકાના વિકાસમાં પણ ભૂવો પડે છે

આપણે ત્યાં ભૂવા પડવા એ સામાન્ય બાબત છે. એક વરસાદ સરખો પડે ન પડે ત્યાં તો ભૂવા પડવાનું શરૂ થઈ જાય છે. પરંતુ ભૂવામાં આપણી મોનોપોલી નથી. વિકસિત અમેરિકાના વિકાસમાં પણ ભૂવો પડે છે. આ નાનો-સૂનો નહીં, ૧૦૦ ફૂટનો ભૂવો છે. ઈલિનોઈસના એલનમાં ફૂટબોલ ગ્રાઉન્ડની નીચે જમીન ધસી પડવાથી આ ભૂવો પડયો હતો. તેના કારણે ફૂટબોલની બધી જ મેચ કેન્સલ કરવી પડી હતી અને તેનું રિપેરિંગ કામ પણ ઘણાં મહિના સુધી ચાલ્યું હતું.

2024ના વર્ષની ફોટોગેલરીના અનેક રંગો                             . 3 - image

પહાડોમાં ઘર ને ઘરનો પહાડ

કેરેબિયન દેશ હૈતીની આ તસવીર છે. હૈતીની રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સમાં આ રીતે ઘર બનેલા છે. ૧૨ લાખ લોકો આ પર્વતીય શહેરમાં રહે છે. પર્વતોના ઢોળાવો પર ઘર બનાવવાની આવડત માટે ત્યાંના લોકો જાણીતા છે. એક ઘર પર બીજું અને બીજાં પર ત્રીજું - એમ મકાનોને એકબીજા પર નિરાંતે ગોઠવ્યા હોય એવું આ પર્વતીય વિસ્તારનું બાંધકામ જોઈને સૌને આશ્વર્ય થાય છે. એક રીતે આ બધા ઘરો પહાડો પર છે ને એક રીતે ઘરનો જ આખેઆખો પહાડ છે.

2024ના વર્ષની ફોટોગેલરીના અનેક રંગો                             . 4 - image

આ ફૂલમાં કેટલાં કીટકો? બોલો! બોલો!

જર્મનીના નેચર એન્ડ બાયોડાઈવર્સિટી કન્ઝર્વેશન યુનિયને એક અનોખો પ્રયોગ કર્યો હતો. મે માસના એક સપ્તાહમાં આ યુનિયને લોકો ઈકોસિસ્ટમને બરાબર સમજે તે હેતુથી એક પ્રયોગ એવો કર્યો કે લોકો મેગ્નિફાઈંગ ગ્લાસની મદદથી ફૂલોને નીરખે અને એમાંથી કીટકો ઓળખી બતાવે. એક ફૂલમાં કેટલા કીટકો છે એ લખીને લોકો યુનિયનને જણાવે. આ નિરીક્ષણમાં ધીરજ તો જોઈએ જ, પરંતુ સાથે સાથે ફૂલને ખૂબ ઝીણવટથી નીરખવાની તક પણ મળતી હોવાથી ઘણાં લોકોએ ઉત્સાહ બતાવ્યો હતો. યુનિયને આ પ્રયોગથી એવો મેસેજ આપ્યો હતો કે આપણે ફૂલછોડને ઉછેરીએ ત્યારે અમુક પ્રકારના કેમિકલનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે ફૂલમાં પહેલી નજરે ન દેખાય એવા જીવો પણ ઘર બનાવીને રહેતા હોય છે.

2024ના વર્ષની ફોટોગેલરીના અનેક રંગો                             . 5 - image

હમે ગિર કર સંભલના આતા હૈ

અમેરિકાનો ચૂંટણી પ્રચાર બરાબર જામ્યો હતો ત્યારે એક રેલીમાં ટ્રમ્પના સંબોધન વખતે ટ્રમ્પને નિશાન બનાવીને ફાયરિંગ થયું. એ ઘટનાએ ચૂંટણીનું સમીકરણ બદલી નાખ્યું. ટ્રમ્પની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે ડેમોક્રેટિક પાર્ટીએ વયોવૃદ્ધ સીટિંગ પ્રેસિડેન્ટ બાઈડેનના બદલે વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને ઉમેદવાર બનાવવા પડયા. તે છતાં પરિણામ ટ્રમ્પની તરફેણમાં રહ્યું. ફાઈરિંગની ઘટના પછી ટ્રમ્પની ફેવરમાં લોકજુવાળ હતો. લોહીથી ઘરડાયેલા ગાલે ટ્રમ્પે હાથ ઊંચો બિડીને જે આક્રમક અંદાજ બતાવ્યો એ તેમના સમર્થકોમાં આઈકોનિક બની ગયો. તે એટલે સુધી કે આખી ચૂંટણીમાં આ ફોટો ટી-શર્ટ, પોસ્ટર્સ અને સોશિયલ મીડિયામાં છવાયેલો રહ્યો. અમેરિકન મીડિયાએ તેને ૨૦૨૪ની ચૂંટણીની આઈકોનિક ઈમેજ જાહેર કરી હતી.

2024ના વર્ષની ફોટોગેલરીના અનેક રંગો                             . 6 - image

'મિ. ઝુકરબર્ગ અમને જણાવો કે.....'

ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપના માધ્યમથી બાળકો સાથે થઈ રહેલા ઓનલાઈન શોષણ અને જાતીય ગુનાખોરીના સંદર્ભમાં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે અમેરિકન સેનેટની જૂડિશિયરી કમિટી સામે હાજર થવું પડયું હતું. અમેરિકન સેનેટની કમિટીએ માર્ક ઝુકરબર્ગને આકરા સવાલો કર્યા હતા. સેનેટ સમિતિએ પૂછ્યું કે મિસ્ટર માર્ક ઝુકરબર્ગ, અમને એ જણાવો કે તમે શા માટે બાળકોને ઓનલાઈન ગુનાખોરીથી બચાવવા માટે યોગ્ય પગલાં ભરતા નથી? તમને આટ-આટલી ફરિયાદો મળતી હતી તેમ છતાં કેમ સમયસર પગલાં ન ભર્યા? એ પૂછપરછ વખતે જે બાળકો ઓનલાઈન ગુનાખોરીનો ભોગ બન્યા હતા તેમના પેરેન્ટ્સ પણ હાજર હતા. માર્ક ઝુકરબર્ગે તેમની માફી માગવી પડી હતી. 


Google NewsGoogle News