580 વર્ષ પછી સૌથી લાંબું ચંદ્રગ્રહણ 19મી નવેમ્બરે ભારતમાં દેખાશે

Updated: Nov 13th, 2021


Google NewsGoogle News
580 વર્ષ પછી સૌથી લાંબું ચંદ્રગ્રહણ 19મી નવેમ્બરે ભારતમાં દેખાશે 1 - image


અગાઉ ઈ.સ. 1440માં આટલું લાંબું ચંદ્રગ્રહણ દેખાયું હતું

અરૂણાચલ પ્રદેશ અને આસામમાં અભૂતપૂર્વ ખગોળીય ઘટના બપોરે 12.48થી 4.17 સુધી જોવા મળશે 

નવી દિલ્હી : આગામી 19મી નવેમ્બરે એક અભૂતપૂર્વ ખગોળીય ઘટના બનશે. 580 વર્ષ પછી સૌથી લાંબું આંશિક ચંદ્રગ્રહણ એ દિવસે જોવા મળશે. આ ચંદ્રગ્રહણ છ કલાક સુધી રહેશે. ભારતમાં પણ તેનું દૃશ્ય જોવા મળશે. 18મી ફેબુ્રઆરી, 1440માં સૌથી લાંબું આંશિક ચંદ્રગ્રહણ દેખાયું હતું.

એ પછી 580ના લાંબાં સમયગાળા બાદ 19મી નવેમ્બરે સૌથી લાંબું ચંદ્રગ્રહણ સર્જાશે. પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડવાથી આ ઘટના બનશે. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પ્રશાંત ક્ષેત્રમાં આ ખગોળીય ઘટના જોવા મળશે. ભારતમાં અરૂણાચલ પ્રદેશ અને આસામમાં બપોરે આકાશ સાફ હશે તો 12.48 કલાકથી 4.17 સુધી આ દૃશ્ય દેખાશે.

આંશિક ચંદ્રગ્રહણનો આ સમયગાળો આમ તો છ કલાક અને બે મિનિટનો રહેશે એવું નાસાએ કહ્યું હતું. ભારતના સમય પ્રમાણે બપોરે 2.34 કલાકે પૃથ્વીના પડછાયાથી ચંદ્ર 97 ટકા સુધી ઢંકાઈ જશે. ત્યાર બાદ તબક્કાવાર પડછાયો હટતો જશે અને બે કલાક બાદ ચંદ્ર સંપૂર્ણ પડછાયામાંથી બહાર નીકળી જશે.

આ ગાળામાં ચંદ્ર રક્તવર્ણો થઈ જશે - એ તેની વિશેષતા બની જશે. એટલે કે ચંદ્રનો ગ્રહ મંગળ જેવો રાતો દેખાવા લાગશે. ભારતમાં અરૂણાચલ પ્રદેશ, આસામ ઉપરાંત યુપી, બિહાર, ઝારખંડ, પશ્વિમ બંગાળ અને ઓડિશાના અમુક વિસ્તારમાંથી જોવા મળી શકશે, પણ તેનો સમયગાળો બહુ જ ઓછો રહેશે.

આ ચંદ્રગ્રહણ 2021ના વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ હશે. વળી, આવું લાંબું આંશિક ચંદ્રગ્રહણ અત્યારે પૃથ્વી પર વસતા માનવીઓ માટે દુર્લભ ઘટના બની જશે, કારણ કે હવે પછી આવું જ લાંબું આંશિક ચંદ્રગ્રહણ 8મી ફેબુ્રઆરી, 2669ના રોજ દેખાશે.


Google NewsGoogle News