અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા
૨૨ જાન્યુઆરીનો દિવસ ભારતમાં ઉત્સવ અને ઉજવણીનો રહ્યો.૧૬મી સદીથી અયોધ્યાની બાબરી મસ્જિદની વિવાદિત ભૂમિ પર ભગવાન રામનું મંદિર હતું. ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો અને રામનું બાળ સ્વરૂપ મૂત ધરાવતું મંદિર રામલલ્લા એક જમાનામાં આ સ્થળ પર હતું તેવી માંગ સાથે જલદ આંદોલન અને કોર્ટમાં કેસ વર્ષોથી ચાલતો હતો. ૧૯૯૨માં કાર સેવકોએ બાબરી મસ્જિદનો ધ્વંશ કર્યો હતો. વીતતા વર્ષો સાથે અંતે સુપ્રીમ કોર્ટે રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપતા રામ મંદિરના નિર્માણ માટેનો માર્ગ આસાન અને કાયદેસર બન્યો હતો. વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૨૦માં આ મંદિરનું ભૂમિ પૂજન તો કર્યું જ હતું. તે પછી ખૂબ જ ઝડપી કાર્ય પાર પાડતા રામલલ્લાની મૂર્તિ સાથે મંદિરનું ગર્ભગૃહ અને શ્રધ્ધાળુઓ દર્શન કરી શકે તેટલો મંદિરનો હિસ્સો આ વર્ષના પ્રારંભે જ પૂર્ણ થયો હતો. પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં દેશભરના ૧૨૧ આચાર્યો અને જુદા જુદા ક્ષેત્રોના મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગર્ભગૃહમાં વિધિ સંપન્ન કરી હતી. મોદીએ કહ્યું હતું કે રામ ભગવાનની જાણે સદીઓના વનવાસ પછી ઘરવાપસી થઈ હોય તેવો ઉમળકો અને અવસર છે. દેશભરમાં મહોલ્લા, સોસાયટી, ફળિયા અને માર્ગો પર કોઈ રાષ્ટ્રીય ધાર્મિક તહેવાર હોય તેવો માહોલ હતો. મંદિરો પણ શણગારાયા હતા. રામલલ્લાની મૂર્તિ અને વિશેષ કરીને બાળ ભગવાન રામની આંખો જાણે આપણા પર સ્નેહ વરસાવતી હોય તેવી ચુંબકીય લાગતી હોઇ દર્શનાર્થીઓ ધન્યતા અનુભવી રહ્યા છે.
ચારધામ યાત્રામાં અભૂતપૂર્વ ધસારો : 45 કિ.મી.લાંબી લાઈન
ચારધામ યાત્રામાં આ વર્ષે હદ બહારનો ધસારો જોવા મળ્યો હતો. સાંકડી પર્વત માળા પર હજારો યાત્રીઓ ખૂબ ધીમી ગતિએ આગળ વધી શકતા હતા. લગભગ ૪૫ કિલોમીટર લાંબી લાઈન જોઈ શકાતી હતી.ગંગોત્રી, યમુનોત્રી, બદરીનાથ અને કેદારનાથ તે ચાર સ્થળના મંદિરના દર્શન કરવાના હોય છે. હજારો વાહનો પણ હોઇ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે.
તિરુપતિનાં લાડુનાં પ્રસાદનો વિવાદ
આંધ્રપ્રદેશમાં આવેલું તિરુપતિ બાલાજીનું મંદિર શ્રદ્ધાળુઓમાં ખુબ ઉંચો દરજ્જો ધરાવે છે.તેનો લાડુનો પ્રસાદ આગવી ઓળખ અને સ્વાદ માટે પણ વિખ્યાત છે. છેક ૧૭૧૫ની સાલથી પ્રસાદ તરીકે લાડુ મંદિરમાં પ્રચલિત છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા આ વહીવટ થતો હોય છે. એક વિશાળ રસોડામાં લાડુ બનાવવાના ૬૦૦ જેટલા ખાસ નિષ્ણાત કન્દોઇઓનો કાયમી સ્ટાફ અહીં કાર્યરત હોય છે. હવે વિવાદ પર આવીએ.લાખો શ્રધ્ધાળુઓની લાગણીને ઠેંસ પહોંચે તેમ ચંદ્રાબાબુ નાયડુએ જાહેરાત કરી કે લાડુનો પ્રસાદ ગાયની ચરબી અને પ્રાણીજ પ્રદાર્થીની ભેળસેળ ધરાવતા ઘીથી બને છે. આ માટે તેમણે તત્કાલીન મુખ્યમંત્રી જગન રેડ્ડીના ભ્રષ્ટાચારને જવાબદાર ઠેરવ્યા અને કહ્યું કે 'જગન રેડ્ડીએ ભગવાન અને ભક્તોની શ્રદ્ધા જોડે પણ દગો કર્યો.' આ વિવાદે દેશ વિદેશમાં ચકચાર જગાવી કેમ કે તેલુગુ નાગરિકો વિશ્વભરમાં છવાયેલા છે.જો કે સમય વીતતા ભક્તો વિચારે છે કે આ પણ બદલાના રાજકારણનો દાવપેચ તો નહી હોય ને?